Site icon Revoi.in

બનાસકાંઠામાં લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતોના મુરઝાતા ખરીફપાકને મળ્યું જીવનદાન

Social Share

પાલનપુરઃ રાજ્યમાં શનિવારે ઘણાબધા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. વરસાદના કારણે જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોના મુરઝાતા પાકોને જીવનદાન મળ્યું છે, જેને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં શનિવારે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા ચોતરફ ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદી કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા મુરઝાતા પાકોને જીવનદાન મળ્યું છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં 34 મિમી, કાંકરેજમાં 44 મિમી, ડીસામાં 12 મિમી, થરાદમાં 14 મિમી, દાંતામાં 14 મિમી, દાંતીવાડામાં 07 મિમી, દિયોદરમાં 32 મિમી, ધાનેરામાં 08, પાલનપુરમાં 33 મિમી, ભાભરમાં 27 મિમી, લાખણીમાં 35 મિમી, વડગામમાં 33 મિમી, વાવમાં 04 અને સુઇગામમાં 12 વરસાદ નોંધાયો હતો.

બનાસકાંઠામાં ઉનાળા દરમિયાન પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી, પણ ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ પડતા નદી-નાળાં છલકાયા હતા. અને ખરીફ પાક પણ સારોએવો ફાલતા ખેડુતો ખૂશ બન્યા હતા પરંતુ છેલ્લે મોલાતને એક વરસાદની જરૂર હતી, પાક મુરઝાઈ રહ્યો હતો. ત્યારે જ મેઘરાજાએ પુનઃ પધરાણી કરતા ખરીફ પાકને જીવતદાન મળ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં આવતી ચોમાસામાં સર્વે તાલુકામાં સીઝનનો સારો વરસાદ નોંધાયો છે.  જેમાં અમીરગઢમાં 123.00 ટકા, કાંકરેજમાં 132.06 ટકા, ડીસામાં 132.19 ટકા, થરાદમાં 124.26 ટકા, દાંતામાં 140.94 ટકા, દાંતીવાડામાં 132.34 ટકા, દિયોદરમાં 132.86 ટકા, ધાનેરામાં 113.24 ટકા, પાલનપુરમાં 135.28 ટકા, ભાભરમાં 118.78 ટકા, લાખણીમાં 115.43 ટકા, વડગામમાં 136.11 ટકા, વાવમાં 129.47 ટકા અને સુઇગામમાં 134.43 સહિત જિલ્લામાં એવરેજ 129.43 ટકા વરસાદ નોંધાયો છે.