બનાસકાંઠામાં રાઈ, જીરૂ, વરિયાળી અને ધાણાના પાકમાં ભૂકી છારો નામના રોગથી ખેડુતો પરેશાન
પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝનને લીધે ખેડુતો સવારથી સીમ-ખેતરોમાં કામ કરતા જોવા મળી રહ્યા છે. જિલ્લામાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે રાસા પાકની ખેડુતો આશા રાખી રહ્યા હતા ત્યાં જ રાઈ, જીરૂ, વરિયાળી અને ધાણા સહિતના પાકમાં ભૂકી છારો નામનો રોગચાળો વકરતા ખેડુતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત છે. ખેડુતો પાકને બચાવવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે કૃષિ વિભાગે પણ ખેડુતોને ભલામણ કરી છે.
બનાસકાંઠામાં રાઇ, જીરૂ, વરીયાળી તેમજ ધાણા જેવા અગત્યના શિયાળુ પાકમાં ભૂકી છારો રોગના નિયંત્રણ માટે લેવાના પગલાં બાબતે ખેડૂતોને માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવે છે. કે, ભૂકી છારો રોગ પાકની પાછલી અવસ્થામાં જયારે ઠંડીનું પ્રમાણ ઘટે છે ત્યારે જોવા મળે છે. રોગની શરૂઆતમાં છોડના પાન પર ફુગની વૃદ્ધિના સફેદ ડાઘા જોવા મળે છે જે ધીમે ધીમે છોડના દરેક ભાગ જેવા કે ડાળી, થડ તેમજ શિંગો પર જોવા મળે છે અને આખો છોડ સફેદ છારીના રૂપમાં છવાઈ જાય છે.
કૃષિ વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા 80% વેટેબલ સલ્ફર 25 ગ્રામ અથવા ડીનોકેપ 48 ઈ.સી. 5 મિ.લિ. 10 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. પ્રથમ છંટકાવ રોગની શરૂઆતમાં કરવો અને રોગની તીવ્રતા મુજબ બીજા એક કે બે છંટકાવ 15 દિવસના અંતરે કરવા. હેકઝાકોનાઝોલ 0.005 ટકા અથવા પેન્કોનાઝોલ 0.005%નો પ્રથમ છંટકાવ કરવો અને ત્યારબાદ 10 દિવસના અંતરે બીજા બે છંટકાવ કરવાથી ભૂકીછારાના રોગમાં નિયંત્રણ લાવી શકાશે.
કૃષિ વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાઇમાં ભૂકી છારો રોગના નિયંત્રણ માટે 80 દિવસ બાદ પિયત પાણી આપવું નહી. જ્યારે જીરૂ, વરીયાળી તેમજ ધાણામાં ભૂકી છારો રોગના સંરક્ષણાત્મક પગલાં રૂપે વાવણી બાદ 45 દિવસે 300 મેશ ગંધકની ભૂકીનો 25 કિગ્રા હે. તેમજ રાઇમાં 20 કિગ્રા હૈ. પ્રમાણેનો છંટકાવ સવારે છોડ ઉપર ઝાકળ હોય ત્યારે જ કરવો. જેથી ઝાકળના કારણે ભૂકી છોડ ઉપર ચોંટી રહે. રોગ દેખાય કે તરત જ ઉપર જણાવ્યા પ્રમાણે 15 દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા. જ્યારે, દ્રાવ્ય રૂપમાં છંટકાવ કરવા માટે 25 ગ્રામ દ્રાવ્ય ગંધક 10 લીટર પાણીમાં ઓગાળી 2-3 છંટકાવ દિવસે છોડ ઉપરથી ઝાકળ ઉડી ગયા પછી જ કરવો જેથી સૂકા છોડ ઉપર દ્રાવણ ચોંટી રહે. જીરૂના પાકને 5 સેમી ઊંડાઈના ફકત બે- ત્રણ પિયત આપવાથી પાકમાં ભૂકી છારા રોગની તીવ્રતા ઓછી રહે છે.