પાલનપુરઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, બનાસકાંઠાના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નિરીક્ષક શાળાના આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવાર પાસેથી 10 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી કચેરીના નિરીક્ષક રાજેશ દેસાઈ 10,000 ની લાચ લેતા રંગે હાથે ઝડપાતા જિલ્લાના શિક્ષણ વિભાગમાં ચકચાર મચી ગઈ હતી.
એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક રાજેશકુમાર નારણભાઈ દેસાઈને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યા છે. વર્ષ 2023 માં ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી થઈ હતી જેમાં ફરિયાદીએ ઓનલાઈન ઉમેદવારી કરી હતી. ઈન્ટરવ્યૂમાં જિલ્લા કક્ષાની ભરતીની પસંદગી સમીતીમાં આ કામના આક્ષેપિતે આ કામના ફરિયાદીનું ઇન્ટરવ્યુ લીધુ હતુ અને ફરિયાદી આ ઇન્ટરવ્યૂમાં પાસ થતાં આચાર્ય તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જે નિમણુંક માટે આ કામના આક્ષેપીતે ફરિયાદી પાસે આચાર્ય તરીકેની નિમણુંકમાં ચાલીસ હજારનો વ્યવહાર ચાલે છે અને નિમણુંકમાં મદદ કરી છે તેમ કહી ચાલીસ હજારની માંગણી કરી હતી. અને રકજકના અંતે રૂપિયા 20 હજાર આપવાના નકકી કર્યા હતા. જેમાંથી 10 હજાર આ કામના ફરિયાદીએ પહેલા આપી દીધા હતા. અને બાકીના રૂપિયા 10 હજાર લાંચની રકમ આ કામના રાજેશકુમાર માંગણી કરતાં હતા જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ પાટણ એ.સી.બી.ને ફરીયાદ કરતાં ફરીયાદના આધારે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન રાજેશકુમાર દેસાઈ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂા.10 હજાર લાંચની માંગણી કરી, લાંચના નાણાં સ્વીકારતા પાટણ એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. રાજેશકુમાર નારણભાઈ દેસાઈ રંગે હાથ ઝડપાઈ આવતા બનાસકાંઠા જિલ્લાના લાંચિયા અધિકારીઓમાં ફાફડાટ મચી જવા પામી છે