બનાસકાંઠામાં માવઠાંએ ઘઉંની વાવણીનું સમયપત્રક ખોરવી નાંખ્યું, હવે પખવાડિયા બાદ વાવેતર
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં માવઠું પડ્યું હતું તેના લીધે ખેતરોમાં પાણી ભરાયેલા હોય તેનો ભેજ ઓછો થતાં 15 દિવસનો સમય લાગે તેમ હોવાથી આ વખતે ઘઉંનું વાવેતર 15 દિવસ પાછું ઠેલાશે. જિલ્લામાં રવિ સીઝનમાં કુલ 70,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે, હાલમાં 12479 હેક્ટરમાં વાવેતર થયું છે. ખેડુતોએ રવિ સીઝનમાં ઘઉંના વાવેતરની તૈયારીઓ પણ કરી દીધી હતી. ત્યાં માવઠુ પડતા ઘઉંની વાવણીનું કામ અટકી ગયું છે.
બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસથી અવિરત વરસાદ પડ્યો હતો. શનિવારે દિવસ વરસાદે વિરામ લીધો હતો.અને આકાશમાં સૂર્યનારાયણના દર્શન થયા હતા. કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાતા ખેતીના પાકો મગફળી, રાયડો, બટાકા તેમજ શાકભાજીને આંશિક નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જોકે કમોસમી વરસાદની સૌથી મોટી અસર ઘઉંનાં વાવેતર ઉપર પડી છે.
જિલ્લાના ખેડુતોના જણાવ્યા મુજબ ઘઉંનાં વાવેતર માટે ખેતર ખેડીને તૈયાર રાખ્યું હતું. બિયારણ દવાઓ સહિતની સામગ્રી પણ લાવી દીધી હતી. જે દિવસે ઘઉંનું વાવેતર કરવાનું હતું ત્યારે જ કમોસમી વરસાદ શરૂ થયો હતો. જે સતત ત્રણ દિવસથી વરસતા ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. આ પાણી સુકાતા 15 દિવસ જેટલો સમય લાગશે. પરિણામે હવે ઘઉંનું વાવેતર 15 દિવસ પાછું ઠેલાશે. ડીસા સહિતના વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયેલા છે. જોકે વરસાદ તો માત્ર અડધાથી એક ઈંચ જેટલો જ પડ્યો હતો. હવે વરસાદથી ભીંજાયેલા ખેતરોને સુકાતા લગભગ એક પખવાડિયા જેટલો સમય લાગશે. ત્યાર બાદ ઘઉંની વાવણી કરી શકાશે.