Site icon Revoi.in

બનાસકાંઠામાં બટાકાની ખેતીમાં ખર્ચ વધતો જાય છે, તેની સામે યોગ્ય ભાવ ન મળતા ખેડુતોમાં નિરાશા

Social Share

પાલનપુરઃ  બનાસકાંઠામાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. જેમાં મોટાભાગના લોકો ખેતી થકી પોતાનું ગુજરાન ચલાવે છે. જેમાં  ડીસા તાલુકો બટાકા નગરી તરીકે જાણીતો છે. ડીસાના બટાકા સમગ્ર દેશના અલગ અલગ વિસ્તારમાં જાય છે. હાલ ડીસા પંથકમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. બટાકાની ખેતીમાં ખર્ચ વધતો જાય છે. તેની સામે પુરતા ભાવો મળતા નથી. ડીસા માર્કેટયાર્ડમાં બટાકાની દરરોજના 5 હજારથી વધુ કટ્ટાની આવક નોંધાઈ રહી છે. જેમાં ધોવાયેલા બટાકાના પ્રતિ 20 કિલોના ભાવ 105થી 170 રૂપિયા નોંધાઈ રહ્યો છે તેમજ માટીવાળા બટાકાનો પ્રતિ 20 કિલોનો ભાવ 101 થી 186 રૂપિયા સુધી નોંધાઈ રહ્યા છે. જો કે, ખેડૂતોને આ ભાવ પોષાય તેમ નથી. બટાકાની ખેતીમાં થતા ખર્ચ સામે આ ભાવ પોષણક્ષણ ગણી શકાય નહીં.

ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે શિયાળાની શરૂઆત થતાં જ મોટા પ્રમાણમાં બટાકાના  વાવેતરની શરૂઆત થઈ જાય છે. દર વર્ષે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અંદાજિત 60 હજાર હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થાય છે. જેમાં માત્ર ડીસા તાલુકામાં 31 હજાર હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થાય છે. ડીસા પંથકના બટાકા સમગ્ર દેશના વિવિધ વિસ્તારમાં જાય છે, તેથી ડીસા સમગ્ર દેશમાં બટાકાનગરી તરીકે વખણાઈ રહ્યું છે. બટાટાની ખેતી સૌથી મોંઘી ખેતી માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી બટાકાના યોગ્ય ભાવ ન મળવાના કારણે ચાલુ વર્ષે 50 ટકા ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી બટાકાની ખેતી કરી છે. આ વર્ષે ખાદ્ય પદાર્થમાં ઉપયોગ થતાં બટાટાનું વાવેતર ખૂબ જ ઓછું થવા પામ્યું છે. આ ઉપરાંત, બટાકાના પાકમાં રોગ આવવાથી બટાકાની સાઈઝ યોગ્ય બની નથી, જેથી ખેડૂતોને બટાકાના યોગ્ય ભાવ મળી રહ્યા નથી. તેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

આ વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં બટાટાની દરરોજના 5 હજારથી વધુ કટ્ટાની આવક નોંધાઈ રહી છે. જેમાં ધોવાયેલા બટાટાના પ્રતિ 20 કિલોના ભાવ 105થી 170 રૂપિયા નોંધાઈ રહ્યો છે તેમજ માટીવાળા બટાટાનો પ્રતિ 20 કિલોનો ભાવ 101 થી 186 રૂપિયા સુધી નોંધાઈ રહ્યા છે. જો કે, ખેડૂતોને આ ભાવ પોષાય તેમ નથી. બટાટાની ખેતીમાં થતા ખર્ચ સામે આ ભાવ પોષણક્ષણ ગણી શકાય નહીં.

ખેડુતોના કહેવા મુજબ આ વર્ષે 50 ટકાથી પણ વધારે બટાકાની ખેતી કરતાં ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા છે, તેથી ચિપ્સની બનાવટમાં વપરાતાં બટાકાનું વાવેતર વધુ થયું છે. જ્યારે ખાવાના બટાટાનું વાવેતર ઘટ્યું છે. માર્કેટયાર્ડમાં ખેડુતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. બટાકાના ભાવ 200 રૂપિયા આજુબાજુ રહે, તો ખેડૂતોને ખેતીમાં પરવડે તેવું છે. જો બટાટાની ખેતી 200 રૂપિયાથી નીચા જાય, તો ખેડૂતોને 100 ટકાનું નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. બટાકાના ઘટી રહેલાં ભાવે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.  બટાકાની ખેતી ખૂબ જ ખર્ચાળ છે. જો બટાકાના યોગ્ય ભાવ મળશે નહીં, તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે.