પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝનની વાવણીનું કાર્ય શરૂ થઈ ગયું છે. દરમિયાન સિંચાઈ માટેની કેનાલોમાં વૃક્ષોના ડાળી-ડાંખળાં, અને કચરો ભરાયેલો છે. જો કેનાલોમાં પાણી છોડવામાં આવે તો કચરાને કારણે પાણી ખેતરો સુધી પહોંચી શકે તેમ નથી. આ અંગે ખેડુતોએ અવાર-નવાર સિંચાઈ વિભાગને રજુઆતો કરવા છતાંયે કેનાલો સાફ કરવામાં ન આવતા આખરે ખેડુતોએ સ્વયંભૂ શ્રમયજ્ઞ આદરીને કેનાલોની સાફ-સફાઈ શરૂ કરી છે.
જિલ્લામાં સરહદી વિસ્તારમાં ખેડૂતોએ જાતે કેનાલ સાફ સફાઈ કરવા મજબૂર બન્યા છે. ખેતી માટે કેનાલમાં પાણી છોડે તે પહેલાં ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરવા લાગ્યા છે. કેનાલો સાફ સફાઈના કર્યા વગર પાણી છોડાતાં કેનાલો તૂટી જાય છે. ત્યારે સુઈગામ તાલુકાના રડકા ગામના 50 જેટલાં ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સૂત્રોના કહેવા મુજબ બનાસકાંઠા જિલ્લામાં નર્મદા વિભાગ દ્વારા ડિસ્ટ્રીબ્યુટર માઇનોર સબ માઇનોર કેનાલોમાં સાફ સફાઈ ન કરાઈ હોવાના કારણે જે વિસ્તારને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. શિયાળામાં રવિ પાકોને પિયત કરવા પાણી છોડવામાં આવે તો સત્વરે ખેતરોમાં પાણી મળી રહે જેને લઇ ખેડૂતોએ જાતે કેનાલની સાફસફાઈ હાથ ધરી હતી. શિયાળુ સીઝનમાં કેનાલોમાં મરામત કે સાફસફાઈ તંત્ર દ્વારા કરવા આવી ન હતી. ત્યારે રડકા ગામના ખેડૂતોએ ભેગા મળીને માઇનોર કેનાલમાં બે દિવસ સાફસફાઈ કરવા લાગ્યા હતા. જોકે ખેડૂતો સાફસફાઈ કરવાનાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે. જો કે સુઈગામ તાલુકાના ખેડુતોએ જ સ્વયંભૂ શ્રમયજ્ઞ આદર્યો છે. અન્ય વિસ્તારના ખેડુતો પણ ભેગા મળીને કેનાલોની સાફ-સફાઈ કરવાનું વિચારી રહ્યા છે.