પાલનપુરઃ ગુજરાતમાં પશુપાલનમાં બનાસકાંઠા જિલ્લો નંબર વન ગણાય છે. પશુપાલનના વ્યવસાય થકી પશુપાલકો પણ પગભર બન્યા છે. પશુઓની સારીએવી માવજત કરવામાં આવતી હોય છે. પરંતુ ઘણીવાર પશુઓમાં રોગચાળો ફેલાય ત્યારે પશુપાલકોની હાલત કફોડી બનતી હોય છે. ગત વર્ષે ગાયોમાં લંમ્પી નામના રોગથી અનેક ગાય મોતના મુખમાં ધકેલાય હતી. જ્યારે હાલ પશુઓમાં ખરવા-મેવાસા નામના રોગે ભરડો લેતા પશુ ચિકિત્સકોએ પશુઓમાં રસીકરણની કામગીરી હાથ ધરી છે. જિલ્લાના ખાસ કરીને થરાદ તાલુકામાં પશુઓમાં આ રોગચાળો જોવા મળી રહ્યો છે. પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના દરેક તાલુકાની માહિતી મેળવવામાં આવી રહી છે. કેટલા પશુઓ આ રોગચાળાને કારણે મૃત્યુ પામ્યા છે. એનો રિપોર્ટ મોકલવા પણ જિલ્લાના પશુ અધિકારીએ આદેશ આપ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠામાં પશુઓમાં લંપી બાદ હવે ખરવા-મોવાસાના રોગે ભરડો લીધો છે. અંતરિયાળ ગામડાંઓમાં એક-બે નહીં, 400થી 500 પશુનાં મોત થયાં હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે. બીજી તરફ, મોડા મોડા જાગેલા તંત્રએ હવે રસીકરણની શરૂઆત કરી છે અને કેટલાં પશુઓ મર્યાં છે એ જાણકારી મેળવવાનું શરૂ કર્યું છે. જિલ્લામાં મોટા ભાગનાં ગામડાંમાં પશુઓમાં ખરવા-મોવાસા નામનો રોગ ફેલાયો છે. એમાં ભેંસોનાં મોત થઇ રહ્યાં છે, જેના કારણે પશુપાલકોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. જિલ્લાના
થરાદ તાલુકાના ઝેટા, મલુપુર, વજેગઢ અને પડદર સહિત કેટલાંક ગામોમાં પશુઓમાં ખરવા-મોવાસાનો રોગચાળો વધુ જોવા મળી રહ્યો છે. પશુપાલકો પોતાના વ્હાલસોયા પશુઓના મોત બાદ તેને જમીનમાં દફનાવી રહ્યા છે. થરાદના જેટા અને મલુપુર ગામે ખરવા-મોવાસા રોગથી દરરોજનાં 20થી 25 પશુનાં મોત થાય છે. સવારથી સાંજ સુધી પશુપાલકો જેસીબી અને લોડર વડે ખાડા ખોદાવીને મૃત પશુઓને દફનાવી રહ્યા છે. ગ્રામજનોના કહેવા મુજબ પશુ તબીબોની ટીમ આવી હતી. પશુઓની સારવાર પણ કરાવી છતાં આ રોગ અટકવાના બદલે દિવસે ને દિવસે વધી રહ્યો છે. રોગના નિયંત્રણ માટે પણ સરકાર જલદી પગલાં લે એવી પશુપાલકોમાં માગ ઊઠી છે.