Site icon Revoi.in

બનાસકાંઠામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો, આકાશમાં વાદળો ગોરંભાતા ગરમીમાં રાહત

Social Share

પાલનપુરઃ બંગાળના સમુદ્રમાં ચક્રવાતને લીધે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં આજે ગરૂવારે વહેલી સવારથી આકાશ વાદળછાંયુ બનતા લોકોએ અસહ્ય ગરમીમાં રાહત મેળવી હતી. જો કે હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ બફારાનો અહેસાસ કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ગુરૂવારે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જેથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જિલ્લાના થરાદ તાલુકામાં આકાશમાં વાદળો ગોરંભાતા અસહ્ય ગરમીમાંથી લોકોએ રાહત મેળવી હતી. જોકે ગરમીમાં ઘટાડો છતાં અસહ્ય બફારાએ લોકોને અકળાવી મુક્યા હતા. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી દેહ દઝાડતી ગરમી જોવા મળી રહી હતી. લોકો ગરમીથી બચવા ઠંડા પીણા, છાસ જેવી ચીજ વસ્તુઓનો સહારો લેવા મજબૂર બન્યા હતા. કેટલીક સંસ્થાઓ યુવાઓ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા છાસ વિતરણ કરી લોકોને સેવા પૂરી પાડી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી બનાસકાંઠા જિલ્લાનું તાપમાન 45 ડિગ્રી પહોંચ્યું હતું. બપોરના સમયે શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય કે પછી નેશનલ હાઈવે ગરમીના કારણે સુમસામ જોવા મળ્યા હતા. ત્યારે વહેલી સવારેથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ થતા ગરમીમાંથી લોકોને આંશિક રાહત પહોંચી છે. વાદળ છાયા વાતાવરણના કારણે શહેર ગ્રામ્ય વિસ્તારના લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે.

હવામાન વિભાગના સૂત્રો જણાવ્યા મુજબ ગુજરાતમાં હજુ ગરમીનું મોજુ યથાવત રહેશે, કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં આવેલો પલટો એ પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો ભાગ છે. ગુરૂવારે જુનાગઢ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ગરવા ગિરનાર પર વાદળો ગોરંભાયા હતા. ભારે પવનને કારણે રોપવે સેવાને પણ અસર પહોંચી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વાદળછાયું વાતાવરણ થતા ગરમીમાંથી લોકોને આંશિક રાહત પહોંચી છે. વાદળછાયા વાતાવરણના કારણે શહેર ગ્રામ્ય વિસ્તારના લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે.