પાલનપુરઃ રાજ્યમાં કેટલાક સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામાન્ય કામમાં પણ લાંચ માગતા હોય છે. ઘણા જાગૃત લોકો લાંચ આપવા માગતા ન હોય એસીબીને ફરિયાદ કરતા હોય છે. એસીબી દ્વારા છટકું ગોઠવીને લાંચ માંગનારા અધિકારીઓ કે કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કૃષિ વિભાગના બે ખેતીવાડી અધિકારી અને એક વચેટિયાને રૂપિયા 20 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ પકડી પાડ્યા હતા.
એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાલનપુર નાયબ ખેતી (વિસ્તરણ) કચેરીના બે ખેતીવાડી અધિકારી દ્વારા ફરિયાદી પાસે લાંચની માગણી કરવામાં આવ્યા બાદ એસીબીએ છટકુ ગોઠવી બંને અધિકારી વતી લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યો હતો. એસીબીએ ત્રણેયને ડીટેઈન કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત લાંચિયા અધિકારી એસીબીની હાથે રંગે હાથ પૈસા લેતા ઝડપાયા છે. ખેતીવાડી અધિકારી વર્ગ-2 નાયબ નિયામક ખેતી વિસ્તરણ ચંદ્રિકાબેન થુંબડીયા અને ખેતીવાડી અધિકારી વર્ગ-2 નાયબ નિયામક ખેતી વિસ્તરણ રાકેશભાઈ મકવાણાએ ઈકબાલગઢ ખાતે કૃષિ સેવા કેન્દ્ર પર ખાતર સ્ટોકનું ચેકિંગ કરતા સ્ટોકમાં વિસંગતા જણાઈ આવતા ફરિયાદીનું પીઓએસ મશીન તેમજ સ્ટોક રજીસ્ટર કાયદેસર કાર્યવાહી કર્યા સિવાય કબજે કર્યુ હતુ તેમજ જે પરત લેવા માટે ફરિયાદીને બંને આરોપીઓએ ફરિયાદી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ન કરી મશીન તેમજ સ્ટોક રજીસ્ટર પરત આપવા 20 હજાર રૂપિયા ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ બંને અધિકારીઓને આપવાના ન ઈચ્છતા પાલનપુર એસીબી નો સંપર્ક કર્યો હતો, પાલનપુર એસીબીએ છટકુ ગોઠવી લાંચના છટકા દરમિયાન આરોપી વચેટિયા હિતેન્દ્રકુમાર મોતીભાઈ ગામી તેમજ બંને અધિકારીઓ ફરિયાદી પાસેથી 20,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. એસીબીએ ત્રણેયને ડીટેઈન કરી વધુ તપાસ હાથ ધરી છે.