નડિયાદઃ મધ્ય ગુજરાતમાં પણ રવિવારની સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. જેમાં ખેડા જિલ્લામાં ગતરાત્રે ભારે પવન સાથે વરસેલા વરસાદે તબાહી મચાવી હતી. સૌથી વધુ વરસાદ નડિયાદમાં પડ્યો હતો.. જ્યારે સમગ્ર જિલ્લામાં ભારે પવન ફુંકાતા તબાહી સર્જાઇ હતી જેમાં. માતર તાલુકાના બરોડા ગામે કાચા મકાનના પતરાં પણ ઉડી ગયા હતા. જ્યારે વીજળી પડવાથી 40-50 ઘેટા બકરાંના મોત થતાં માલધારીઓની હાલત દમનીય બની હતી.
રાજ્યના હવામાન વિભાગે આગાહી કર્યા બાદ ખેડા જિલ્લામાં રવિવાર બપોરથી આકાશ વાદળછાંયુ બન્યું હતું. અને સાંજથી વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘાનું આગમન થયું હતું. ગત રાત્રે ભારે પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ભારે તબાહી મચવી હતી. જિલ્લાના 10 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદને લીધે ક્યાંક વૃક્ષો પડી ગયા હતા, તો ક્યાંક વૃક્ષની ડાળીઓ જમીન પર તૂટી પડી હતી. જ્યારે હાઈવે પરના હોડીગ્સો પણ જમીન દોસ્ત થયા હતા. સૌથી વધુ માતર પંથકમાં અસર જોવા મળી હતી. ભારે પવનથી માતર પંથક સૌથી વધુ પ્રભાવિત થયો હતો.તાલુકાના બરોડા ગામે ભારે પવનના કારણે મોટુ નુકશાન થયું હતું. ગામના કાચા મકાનના પતરા ઉડી ગયા છે. અને વીજળી પડવાથી 40-50 ઘેટા બકરાઓ પણ મોતને ભેટ્યા હતા. ખેડાના વલ્લાથી ત્રાજ સુધીના ગામોમાં વાવાઝોડાથી નુકસાન થયુ હતું.
મધ્ય ગુજરાતના ખેડા ઉપરાંત પંચમહાલ જિલ્લમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પંચમહાલના ગોધરા, શહેરા, મોરવા હડફ, કાલોલ સહિતના તાલુકામાં વરસાદ ખાબક્યો હતો.વરસાદના કારણે વીજળી ગૂલ થવાની પણ ફરિયાદ ઉઠી હતી. જેના કારણે લોકોએ અંધારામાં બેસી રહેવાનો વારો આવ્યો હતો. બીજી તરફ વાવાઝોડાના કારણે કેટલાય સ્થાનો પર વૃક્ષો ધરાશાયી થયા હતા. ઘોઘંબા, કાલોલ તાલુકામાં વૃક્ષો ધરાશાયી થવાના કારણે રસ્તાઓ બંધ થયા હતા. કાલોલ-મલાવ રોડ, હાલોલ-બારીયા રોડ પર વૃક્ષો ધરાશાયી થતા માર્ગ બંધ થયા હતા.