કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંદારમણિના બીચ પર બનેલી 140 ગેરકાયદે હોટલોને તોડી પાડવાનું કામ અટકાવી દીધું હતું. પૂર્વ મેદિનીપુર જિલ્લાના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ક્યાંય પણ બુલડોઝરનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સચિવાલયને ડિમોલિશનની કાર્યવાહી વિશે અગાઉથી જાણ કરવામાં આવી ન હતી, જેના કારણે મુખ્યમંત્રી નારાજ થયા હતા.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશને પગલે આ કાર્યવાહી કરવામાં આવી રહી હતી કારણ કે આ હોટલોએ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ)નું ઉલ્લંઘન કર્યું હતું. જિલ્લા સત્તાવાળાઓએ આ હોટલોને તોડી પાડવા માટે નોટિસ ફટકારી હતી, પરંતુ મુખ્યમંત્રીએ કહ્યું કે આ પહેલા રાજ્ય સચિવાલય તરફથી કોઈ સલાહ કે માહિતી લેવામાં આવી ન હતી.
ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સીએમ બેનર્જીએ કડક સૂચના આપી છે કે રાજ્યમાં ક્યાંય પણ બુલડોઝરને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે મંદારમણિ બીચ પર થઈ રહેલા વિકાસથી મુખ્યમંત્રી નાખુશ છે. તેમણે નિર્દેશ આપ્યો છે કે ત્યાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. જિલ્લા પ્રશાસને રાજ્ય સચિવાલયની સલાહ લીધા વિના અથવા જાણ કર્યા વિના નોટિસ જારી કરી હતી. હકીકતમાં, મુખ્ય સચિવ મનોજ પંતને પણ આ વિશે જાણ કરવામાં આવી ન હતી.
માહિતી અનુસાર, જિલ્લા પ્રશાસને તાજેતરમાં જ લોકપ્રિય બીચ રિસોર્ટ મંદારમણીમાં 140 હોટલને તોડી પાડવા માટે નોટિસ જારી કરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “મંદારમણિ, પૂર્વા મેદિનીપુરમાં હોટલ, રિસોર્ટ અને હોમસ્ટે દ્વારા દરિયાકાંઠાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.” તમામ સંબંધિતોને 11 નવેમ્બર સુધીમાં તેમના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા અને દૂર કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે, જો આમ નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’ જો કે હજુ સુધી આ આદેશનો અમલ થયો નથી.