ભરૂચ અને ખેડામાં રૂ. 158 કરોડના 3 વિકાસના કામોનું નાયબ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી અને હાલ સમગ્ર રાજ્યમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. ભરૂચ ખાતેના નર્મદા મૈયા બ્રીજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
આજે ભરૂચ અને ખેડા જિલ્લાના રૂા. ૧૫૦ કરોડના ત્રણ વિકાસ કામોનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુર્હૂત કરતા નાયબ મુખ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વનો એવા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતેના ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે ઓવરબ્રીજના નિર્માણથી આ વિસ્તારના લોકોને તથા વાહનવ્યવહારને સરળતા થશે અને સમય તથા ઇંધણની પણ બચત થશે.
એ જ રીતે પવિત્રા યાત્રાધામ ડાકોર ખાતે લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડરાયના દર્શને આવતા હોય છે ત્યારે ડાકોર જંકશન ખાતે જે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી તેના નિયંત્રણ માટે રૂા. ૭૩ કરોડના ખર્ચે ફલાયઓવર બ્રિજનું નિર્માણ કરાશે. જેના પરિણામે ટ્રાફિકના પ્રશ્નો હલ થશે તેમજ ઉમરેઠ ખાતે રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સરકીટ હાઉસ પણ લોકો માટે ઉપયોગી નીવડશે.
નાયબ મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં ન થયા હોય એવા અદ્યતન સુવિધાઓ સાથેના અદ્દભૂત વિકાસકામો અમારી સરકાર મુખ્ય મંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ કરી રહી છે. જેના પરિણામે રાજ્યના નાગરિકોની સુવિધાઓમાં વધારો થઇ રહ્યો છે. એ જ રીતે ગામડાઓમાં કાચા રસ્તાને પાકા રસ્તા બનાવવા માટે મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મોટાભાગના ગામડાંઓને આવરી લેવાયા છે. જેના નિર્માણથી ગ્રામ્યસ્તરે પણ પરિવહનની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે.
તેમણે ઉમેર્યું કે, ભરૂચ જિલ્લામાં મીઠા પાણીનો સોર્સ પ્રાપ્ત થાય એ માટે ભાડભૂત બેરેજની કામગીરી પણ ચાલુ કરી દીધી છે તથા અંકલેશ્વર-રાજપીપળાના માર્ગનું રૂા. ૧૦૦ કરોડના કામ માટે પણ ટેન્ડર મંજૂર કરી દેવાયું છે અને ભરૂચ-શ્રવણ ચોકડી પાસે પણ ટ્રાફિકનું નિવારણ થાય એ હેતુસર ઓવરબ્રીજના નિર્માણ માટે ડી.પી.આર. બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઇ છે. જેના પરિણામે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારની ટ્રાફિક સમસ્યા હલ થશે.