Site icon Revoi.in

ભાવનગરમાં મુદત આપવા છતાંયે ફાયર NOC ન લેતા હોટલ-રેસ્ટોરન્ટ સહિત 6 બિલ્ડિંગ સીલ

Social Share

ભાવનગરઃ રાજકોટના અગ્નિકાંડ ભાવનગર મ્યુનિ.કોર્પોરેશને ફાયર એનઓસી ન હોય તેવી બિલ્ડિંગોને ધડાધડ સીલ મારવાનું શરૂ કર્યું હતું પરંતુ વેપારીઓની રજુઆત બાદ ફાયર ઇન્સ્ટોલેશન માટે પંદર દિવસની મુદ્દત આપવામાં આવી હતી. હવે મુદત પૂર્ણ થયા બાદ પણ ફાયરની એનઓસી ન મેળવનારા એકમો સામે મ્યુનિ. દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિએ સોમવારે હોટલ રેસ્ટોરન્ટ અને જીમ સહિત છ બિલ્ડીંગોને સીલ મારતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ગત 13મી મેથી 10 મી જૂન સુધીમાં જ 50 જેટલા બિલ્ડીંગને સીલ મારવામાં આવ્યા હતા. ત્યારબાદ ફાયર ઇન્સ્ટોલેશન માટે સીલ ખોલવાની કાર્યવાહી પણ કરી હતી. અને 15 દિવસની મુદ્દત ફાયર ઇન્સ્ટોલેશન કરી એનઓસી લેવા માટેની આપી હતી. 200 થી વધુ જુદા જુદા પ્રકારની નોટિસો આપવામાં આવી હતી. તે પૈકી ફાયર ઇન્સ્ટોલેશન ન કર્યું હોય અને એનઓસી ન મેળવી હોય તેવી બિલ્ડીંગોને સોમવારથી સીલ મારવાનું શરૂ કર્યું છે. સોમવારે મ્યુનિ કોર્પોરેશન અને આજુબાજુના વિસ્તારના બુધેલ રોડ પર આવેલી એક રેસ્ટોરન્ટ અને સની પાજી કા ધાબાને તેમજ જગાભાઈ ગોપનાથવાળા ગાર્ડન રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું હતું. તેમજ  શહેરના વાઘાવાડી રોડ પર આવેલા ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સહિત ટર્નિંગ પોઇન્ટ કોમ્પ્લેક્સના 45 યુનિટને સીલ મારવામાં આવ્યા હતા આ ઉપરાંત શહેરના સરદારનગરમાં રવિ ફિટનેસ સેન્ટર તેમજ કુડાસ જીમને પણ સીલ મરાયું હતું. આગામી દિવસોમાં પણ પ્રથમ તબક્કામાં એસેમ્બલી, ગાર્ડન રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે સીલીંગની કાર્યવાહી યથાવત રહેશે.