Site icon Revoi.in

ભાવનગરમાં કેટલાક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માગ સાથે રેલી યોજાઈ

Social Share

ભાવનગરઃ શહેરના કેટલાક વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા યેનકેન પ્રકારે મિલ્કતો ખરીદવામાં આવતી હોવાથી શહેરના અમુક વિસ્તારોમાં અશાંતો ધારો લાગુ કરવાની જરુરિયાત હોવાની માગ સાથે અશાંતધારા નાગરિક સમિતિ દ્વારા  રેલી યોજવામાં આવી હતી. અને ભાવનગર કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મિલ્કત પ્રોપર્ટી ઉંચા ભાવે ખરીદી આખા એરીયાઓ પર કબ્જા કરવાની મેલી મુરાદ ધરાવતા હોવાની ફરિયાદ અશાંતધારા નાગરિક સમિતિ ભાવનગરે કરી છે, એક સમાજની વસતી વધતા અને મિલ્કતો ખરીદવામાં આવતી હોવાથી અન્ય સમાજના લોકોને પોતાના વિસ્તારમાં હિજરત કરવાની ફરજ પડી રહી છે. શહેરના કુંભારવાડા, વડવા, વડવા તલાવડી, પાનવાડી, કપરા, મામાકોઠાર રોડ, ટેકરી ચોક, પ્રાગજી દવેની શેરી, પીરછલ્લા શેરી, વોરા બજાર, ભગાતળાવ, કાછીયાવાડ, ભાદેવાની શેરી, ગૌરી ફળીયુ, શિશુવિહાર, જમનાકુંડ સહિતના વિસ્તારોમાં અશાંતધારાની તાતી આવશ્યકતા છે. જો આ અંગે સરકાર તત્કાળ પગલાં લઈને અશાંતધારા લાગું નહીં કરે તો હિંદુ સમુદાય માટે ગંભીર પરીસ્થિતિ સર્જાવાની સમિતિ દ્વારા ભીતિ વ્યકત કરવામાં આવી છે. આ આવેદનપત્ર મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, ગૃહમંત્રી સહિતનાઓને સંબોધી જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું.

ભાવનગર શહેર ઐતિહાસિક છે, શહેરની મધ્યમાં ગણાતા વિસ્તારોમાં વિધર્મી સમાજની વસતી વધતા જતી હોવાથી કેટલાક હિન્દુ સમાજના લોકો પાસેથી ખૂબ ઊંચા ભાવે મકાનો ખરીદી લેવામાં આવે છે. તે સમાજની વસતી વધતા હિન્દુ સમાજના અન્ય પરિવારોને નાછૂટકે પોતાના મકાનો સસ્તામાં વેચીને અન્ય વિસ્તારોમાં રહેવા માટે જવાની ફરજ પડે છે. જો આ પરિસ્થિતિ રહી તો જુના ભાવનગર શહેરમાં એક સમાજની વસતી થઈ જશે. આથી શહેરમાં અશાંતધારાનો અમલ કરવાની તાતી જરૂર છે.