ભાવનગર જિલ્લામાં સર્વશિક્ષા અંતર્ગત ફાળવેલી ગ્રાન્ટમાંથી શાળાઓના 170 ઓરડાં બન્યા જ નહીં
ભાવનગરઃ રાજ્યમાં વિકાસ કામો માટે દરવર્ષે સરકાર દ્વારા લોખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. પણ તંત્રની લાપરવાહીને કારણે ગ્રાન્ટનો પુરતા ઉપયોગ થતો નથી. અને વર્ષાંતે ગ્રાન્ટ પરત જતી રહે છે. કોરોના કાળથી સરકારી શાળાઓનું મહત્વ વધી ગયું છે.અને ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં બાળકોના પ્રવેશ માટે ધસારો નોંધાયો હતો. પરંતુ સરકારી શાળાઓમાં શૈક્ષણિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં સર્વશિક્ષા અંતર્ગત 193 ઓરડાની ગ્રાન્ટ એક વર્ષ પૂર્વે મંજૂર કરી હતી. પરંતુ આયોજનના અભાવે માત્ર 23 ઓરડાના જ વર્ક ઓર્ડર અપાયા હતા. 170 ઓરડાનું તો ટેન્ડરિંગ પણ ફોક ગયું હતું. છતે રૂપિયે પણ બાળકોને શૈક્ષણિક સુવિધા મળતી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાન હસ્તક સરકારી શાળાઓમાં નવા ઓરડાઓ બનાવવામાં આવે છે.ગત વર્ષે 2020માં નાબાર્ડ દ્વારા ભાવનગર જિલ્લામાં 193 ઓરડા મંજૂર કર્યા હતા. અને તેની રકમ પણ નાબાર્ડ દ્વારા ફાળવવામાં આવી. તત્કાલીન સમયે 193 ઓરડાનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું. પરંતુ તે પૈકી માત્ર 23 ઓરડા બનાવવા એજન્સી તૈયાર થઈ અને હાલમાં ઓરડાનું કામ પણ શરૂ છે. જ્યારે 170 ઓરડાની ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ ગઈ હતી. જે ઓરડાના કામ માટે હવે પુનઃ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.તે પૈકી ભાવનગર શહેરમાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બે નવી શાળાઓ માટે ઓરડાઓ મંજૂર થઈ ગયા છે. શૈક્ષણિક હબ બની ગયેલા કાળિયાબીડ વિસ્તારમાં સરકારી એક પણ સ્કુલ નથી. જે છે તે પણ ભાડાના મકાનમાં છે. અને તે પણ આગામી દિવસોમાં ખાલી કરવી પડશે. આવી પરિસ્થિતિમાં કાળિયાબીડમાં મંજૂર થયેલા 65 લાખના ખર્ચે સાત ઓરડા વાળી સ્કૂલ તેમજ લંબે હનુમાન પાસે 95 લાખના ખર્ચે 11 ઓરડાની શાળાનું પણ એજન્સીએ ભાવ વધારો માંગતા તે નહીં મંજુર થતાં એજન્સીએ ડિપોઝીટ ભરી નહીં અને ટેન્ડર નિષ્ફળ ગયું છે. આમ રૂપિયાની ઉપલબ્ધિ છતાં પણ સરકારી શાળાઓને સુવિધા મળતી નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગરમાં ન.પ્રા. શિક્ષણ સમિતિ હસ્તકની 55 શાળાઓ 44 બિલ્ડિંગમાં કાર્યરત છે પરંતુ તે પૈકી બે શાળાઓ ભાડે ચાલી રહી છે કારણ કે, આ વિસ્તારમાં કોર્પો.ના બિલ્ડીંગ નથી. શિક્ષણ સમિતિ દ્વારા લંબે હનુમાન, કાળીયાબીડ, શાસ્ત્રીનગરમાં 3 નવી શાળાઓ બનાવવા દરખાસ્ત કરી છે. જે પૈકી કાળીયાબીડ, લંબે હનુમાનની મંજૂરી મળી ગઈ હતી તેની ટેન્ડર પ્રક્રિયા થઈ હતી. પરંતુ ભાવ વધારાનું દર્શાવતા બંને શાળાઓનું ટેન્ડર નિષ્ફળ નીવડ્યું હતું.