ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે મોટાભાગના જળાશયોમાં પાણીનો સંગ્રહ સારોએવો થયો હતો. ઉનાળાના પ્રારંભે ભાવનગર જિલ્લાના જળાશયોમાં સરેરાશ 55.67 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે ખેડુતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તેવી શક્યતા છે. જોકે જિલ્લામાં પાણીના તળ ખૂબ ઊંડા ઉતરી ગયા છે. અને કેનેલો દ્વારા સિંચાઈની તમામ તાલુકામાં સુવિધા નથી. એટલે ખેડુતોએ કૂવા કે બોરના પાણી પર જ નિર્ભર રહેવું પડે છે. આવા ખેડુતોને ઉનાળા દરમિયાન સિંચાઈ માટેના પાણીની મુશ્કેલી ઊભી થાય એવી શક્યતા છે.
શિયાળાની સિઝન પૂર્ણ થતાં ઉનાળોના પ્રથમ ગણાતા ફાગણ મહિનાનો પ્રારંભ શરૂ થઈ ગયો છે. ઉનાળા દરમિયાન પાણીની જરૂરિયાત સૌથી વધુ ઊભી થતી હોય છે. ત્યારે આ વખતે જિલ્લામાં મુખ્ય જળાશયોમાં 55.67 ટકા જેટલો પાણીનો જથ્થો સંચય થયેલો છે. જે ગત વર્ષની પાણીના સંગ્રહની તુલનામાં 23.64 ટકા ઓછો છે. ગત વર્ષે શિયાળાના અંતિમ તબક્કામાં વિક્રમજનક 79.31 ટકા પાણીનો સંગ્રહ થયેલો હતો. જોકે પાણીના સંગ્રહ થયેલા જથ્યામાં આ વર્ષે હાલમાં પ્રથમ ક્રમે ભાવનગર જિલ્લો છે જ્યાં જળાશયોમાં કુલ 257.30 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયેલો છે અને બાદમાં રાજકોટ જિલ્લો છે. જ્યાં 252.12 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયેલો છે. સૌરાષ્ટ્રમાં ટકાવારીની દ્રષ્ટિએ ગીર-સોમનાથ બાદ ભાવનગર જિલ્લાના જળશયોમાં સૌથી વધુ ટકાવારીમાં પાણીનો સંગ્રહ થયેલો છે. જે ખાસ તો રવિ પાક અને ઉનાળુ પાક તેમજ શહેર તથા જિલ્લામાં પીવાના પાણી માટે આશીર્વાદરૂપ બની રહેશે પણ ઉનાળામાં ભાવનગર જીલ્લાના કેટલાક તાલુકાઓમાં પાણીની સમસ્યા સર્જી શકે તેમ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન 100 ટકાથી વધુ વરસાદ પડ્યો હતો. વરસાદ સારો થતા જિલ્લાના મુખ્ય 12 ડેમમાં પાણીની કુલ જિવંત જળ સંગ્રહ ક્ષમતા 420.68 મિલિયન ક્યુબિક મીટર છે અને તેની સામે શિયાળો પૂર્ણ થયા બાદ જળાશયોમાં 257.30 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયેલો છે એટલે કે લાઇવ સંગ્રહ ક્ષમતા 55.67 ટકા પાણીનો સંગ્રહ થયેલો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લામાં ટકાવારી મુજબ સૌથી વધુ પાણીનો સંગ્રહ ગીર-સોમનાથ જિલ્લામાં 77.10 ટકા થયેલો છે. જ્યારે બીજા ક્રમે ભાવનગર જિલ્લો છે. આમ આ વર્ષે ભાવનગર જિલ્લામાં ગત વર્ષની તુલનામાં જળાશયોમાં પાણીનો સંગ્રહ ઘટયો છે. જોકે, સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના જળાશયોમાં સૌથી વધુ પાણીનો સંગ્રહ છે પરંતુ હવે જે રીતે પાણી વપરાઈ રહ્યું છે તે જોતા આગામી ઉનાળાના અંત સુધીમાં કેટલાક તાલુકાઓમાં પાણીનો પ્રશ્ન સર્જાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાલિતાણા નજીકના શેત્રુંજી ડેમમાં સમગ્ર સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીનો સર્વાધિક સંગ્રહ થયેલો છે. સૌરાષ્ટ્રના આ સૌથી વિશાળ જળાશય શેત્રુંજી ડેમમાં કુલ ગ્રોસ સંગ્રહ ક્ષમતા 346.48 મિલીયન ક્યુબિક મીટરની છે અને તેની સામે આજ આ ડેમમાં 224.66 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયેલો છે જે તેની ક્ષમતાના 64.84 ટકા છે.