ભાવનગરઃ ગોહિલવાડમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું ઉત્પાદમાં વધારો થયો હતો. દિવાળી બાદ ખેડુતોએ રવિપાકની વાવણીનો પ્રારંભ કર્યો હતો. જેમાં આ વખતે રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. છેલ્લાં ત્રણ જ સપ્તાહમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં 49,000 હેકટરનો વધારો નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં હાલ રવિ પાકનું કુલ વાવેતર 60,500 હેક્ટરને વટાવી ગયું છે. જેમાં સૌથી વધુ વાવેતર ગરીબોની કસ્તુરી ગણાતા ડુંગળીનું 16,300 હેક્ટરમાં થયું છે. ઘઉં અને ચણાનું વાવેતર પણ નોંધપાત્ર થયું છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 46,900 હેકટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર 16,300 હેકટરમાં થતા રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરના 34.75 ટકા વાવેતર ભાવનગરમાં થયું છે.
ભાવનગર જિલ્લામાં રવિપાકના વાવેતરમાં વધારો થયો છે. જેમાં મહુવા અને તળાજા વિસ્તારમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર થયું છે. જ્યારે જિલ્લાના ઉમરાળા, વલ્લભીપુર, સિહોર, સહિતના તાલુકાઓમાં ઘઉંના વાવેતરમાં વધારો થયો છે.ચોમાસામાં સારા વરસાદને કારણે પાણીના તળ પર ઉપર આવ્યા છે. એટલે ઉનાળા દરમિયાન સિંચાઈ માટે પાણીની કોઈ સમસ્યા ઊભી થાય તેમ લાગતું નથી. હજુ પણ ઘણા વિસ્તારોમાં રવિપારની વાવણીનું કાર્ય ચાલી રહ્યું છે. ગત સપ્તાહ સુધીમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકનું વાવેતર વધીને 53,200 હેકટરમાં થયું હતુ. તે આ સપ્તાહે વધીને 60,500 હેક્ટર થઇ ગયું છે. ખાસ તો ગરીબોની કસ્તૂરી ગણાતા ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં ભાવનગર જિલ્લો હંમેશા પ્રથમ ક્રમે હોય છે.ભાવનગર સહિત રાજ્યભરમાં રવિ પાકનું વાવેતર શરૂ થઇ ગયું છે જેમાં હવે ગુજરાતભરમાં ડુંગળીનું કુલ વાવેતર 46,900 હેકટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું 16,300 હેકટરમાં વાવેતર થયું છે.