ભાવનગરઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા ઘણા વિસ્તારોમાં ભર ઉનાળે અષાઢી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ગોહિલવાડ પંથકમાં આજે સવારે ગાઢ ધૂમ્મસ જોવા મળ્યું હતુ. વિઝિબિલિટી ડાઉન થવાને કારણે નાના-મોટા તમામ વાહનોએ હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી. દરમિયાન માવઠુ થવાની દહેશતથી ખેડુતો ચિંતિત બન્યા હતા.
ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણ પલટો આવ્યા બાદ વાદળછાંયા વાતાવરણને કારણે ગઈકાલે ગુરૂવારે છુટ્ટા છવાયા કમોસમી વરસાદના છાંટા પણ પડ્યા હતા જેના કારણે પવન સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું, ઘણા લાંબા સમય પછી ભાવનગર શહેરમાં આજે સવારે સાત કલાકે આવો અદભુત ધુમ્મસનો નજારો જોવા મળ્યો હતો. આકાશમાં ઘટાટોપ વાદળો છવાતા સૂર્યનારાયણના દર્શન પણ થઈ શક્યા નહતા. હાલ એવું વાતાવરણ છે. કે, શિયાળો ઉનાળો, કે ચોમાસું નક્કી થઈ શકે એવું નથી પણ કોઈ પણ હિલ સ્ટેશન જેવું વાતાવરણ એકદમ ઠંડક અને વાદળાંઓ વચ્ચે ઉભા રહેવાનો નજારો લોકોએ માણ્યો હતો.
ભાવનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું હતું, સવારે બોરતળાવ વિસ્તારમાં હિલ સ્ટેશન પર હોય એવો નજારો જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય રસ્તાઓ પર ચારે તરફ ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળતા આહલાદક વાતાવરણ અનુભવાયું હતું. જોકે વાહનચાલકો થોડેક અંશે મુશ્કેલીમાં મુકાયા હતા કારણકે ઘુમમ્સ એટલું ગાઢ હતું કે નજીકના અંતરેથી પણ કોઇપણ વસ્તુઓ દેખાતી ન હતી અને વાહન ચાલકોને ફરજીયાત પણે લાઈટો ચાલુ રાખી ને ધીમે ધીમે પસાર થવું પડ્યું હતું.