Site icon Revoi.in

ભાવનગરમાં તંત્રની ઘોર બેદરકારી, અરજદારોની વિગતો સાથેના આધાર ફોર્મનો ઢગલો કચરામાંથી મળ્યો

Social Share

ભાવનગરઃ શહેરના વિદ્યાનગર ખાતે આવેલી ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જાહેરમાં કચરામાં અરજદારોની સંપૂર્ણ વિગત સાથેના આધાર નોંધણી અને સુધારા ફોર્મ રેઢિયાળ ની જેમ ફેંકી દેવામાં આવ્યા છે. જાહેરમાં પડેલા ફોર્મના ઢગલાં છતાં મામલતદાર કચેરીના અધિકારી કર્મચારીઓને તે દેખાતા નથી. અનેક વખત ડેટા ચોરવા અને ડેટાનો ગેર ઉપયોગ કરી ફ્રોડ કરવાના બનાવો બનતા હોય છે. ત્યારે ખુદ સરકારી તંત્ર જ લોકોના ડેટાને માત્ર ગેરવલ્લે જ નહીં પરંતુ કચરામાં નાખી દેતા હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે.

ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી ગ્રામ્ય મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જાહેરમાં કચરાની જેમ આધારકાર્ડની નોંધણી અને સુધારા માટે અરજદારો દ્વારા ભરાયેલા ફોર્મ ફેંકી દેવામાં આવ્યા છે. અરજદારોએ ફોર્મ નામ, એડ્રેસ, સંપર્ક નંબર, આધાર નંબર,સિગ્નેચર સહિતની તમામ વિગતો ભરેલી હોય છે. ત્યારે અરજદારોની સંપૂર્ણ વિગતો સાથેનું ફોર્મ જે સરકારી રેકોર્ડમાં રાખવાનું હોય છે તે કચરાની જેમ જાહેરમાં ફેંકી દેવામાં આવ્યા છે. ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં એક, બે, કે ત્રણ નહીં પરંતુ આધાર નોંધણી સુધારા ફોર્મનો ઢગલો જોવા મળ્યો હતો.

તંત્રની બેદરકારી એટલી હતી કે, મામલતદાર કચેરીમાં જ અરજદારોની સંપૂર્ણ વિગતો સાથેના ભરાયેલા ફોર્મનો જાહેરમાં ઢગલો હોવા છતાં અધિકારીઓને પણ તે દેખાતો નથી. અરજદારોની સંપૂર્ણ વિગતો જાહેરમાં રઝળતી હોવા સામે ભવિષ્યમાં પણ આવી ગંભીર બેદરકારી દાખવવામાં ન આવે તે માટે તંત્રએ કડકાઈ રાખવી અતિ આવશ્યક બન્યું છે. અગાઉ પણ અનેક વખત આવા કિસ્સાઓ બહાર આવ્યા છે પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી. આધારકાર્ડમાં સુધારા વધારા અને નવી નોંધણી માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ફોર્મમાં અરજદારે તમામ વિગતો ભરવાની હોય છે. જાહેરમાં કચરાની જેમ ફેંકી દેવાયેલા ફોર્મ અકવાડા, સોડવદરા, ભુંભલી, નવામાઢિયા, કોળીયાક, નવારતનપર અને ભૂતેશ્વર સહિતના અનેક ગામોના અરજદારોના છે. આ ફોર્મમાં ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના સિક્કાઓ પણ મારવામાં આવ્યા છે અને સંબંધિતની સહી પણ છે જેથી તંત્ર દ્વારા આ અંગે પગલા ભરવા લાંબી તપાસની જરૂર પણ નહીં પડે. આ કામગીરી કાનગી એજન્સી દ્વારા ઓઉટસોર્સથી કરવામાં આવી હોવાનું કહીને તંત્રએ હાથ અદ્ધર કરી દીદા હતા.