Site icon Revoi.in

ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડુતોએ વિરોધ કરી હરાજી બંધ કરાવી

Social Share

ભાવનગરઃ ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનમાં ગોહિલવાડ પંથક અગ્રેસર ગણાય છે. આ વખતે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. ખેડુતોને ડુંગળીને માર્કેટયાર્ડ લાવવા સુધીનું ભાડું પણ નીકળતું નથી. દરમિયાન ગુરૂવારે મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટ યાર્ડમાં પાણીના ભાવે ડુંગળીની હરાજી થતાં ખેડુતો વિફર્યા હતા. યાર્ડમાં હરાજી બંધ કરાવીને ખેડૂતોએ હલ્લાબોલ સાથે ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડનો ગેટ બંધ કરીને સૂત્રોચાર કર્યા હતા,

મહારાજા કૃષ્ણ કૂમારસિંહજી ભાવનગર માર્કેટ યાર્ડમાં ગુરૂવારે ખેડુતો ટ્રેકટરો ભરીને ડુંગળી વેચવા માટે આવ્યા હતા.દરમિયાન હરાજીમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતાં ખેડુતોએ વિરોધ કરીને હરાજી પણ બંધ કરાવી હતી. તેમજ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવેલા ભાજપના અનેક ઉમેદવારોને પણ ખેડૂતોએ ઘેરી લીધા હતા. જિલ્લામાં ઘણા લાંબા સમયથી ડુંગળીની નિકાસબંધીનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અવારનવાર ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડ તેમજ રોડ પર ઊતરી આવીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોને ડુંગળી રડાવી રહી છે તેનું કારણ એ છે કે હાલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને હરાજી દરમિયાન એક કિલોએ માત્ર સાત રૂપિયા જેવી કિંમત મળી રહી છે. પડતર કિંમત કરતા પણ નીચા ભાવે ખેડૂતોની ડુંગળી વેચાઈ રહી છે.

ખેડૂતોએ જણાવ્યું હતું કે, રાજ્યના અન્ય માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહે છે પરંતુ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના માત્ર 250 રૂપિયા જેવી કિંમત એક મણની મળે છે. જ્યારે ખેડુતોને ખર્ચા સામે 500 રૂપિયા મળવા જોઈએ. (File photo)