ભાવનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોર અંગે નવી પોલીસી અમલમાં મુકવામાં આવી છે. મ્યુનિ. દ્વારા રખડતા ઢોર પકડવા માટેનો કોન્ટ્રાક્ટ આપવા માટે 6ઠ્ઠીવાર ટેન્ડર બહાર પાડવું પડ્યુ છે, પણ કોઈ એજન્સી રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ લેવા માટે તૈયાર નથી હાલ મ્યુનિ.ના કર્મચારીઓ અને કેટલાક બેલદારો દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. રોજના આશરે 15થી 20 રખડતા ઢોર પકડવામાં આવે છે. બીજીબાજુ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વધતી જાય છે.
ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવાનો ખાનગી કોન્ટ્રાકટ આપી કામગીરી કરાવવામાં આવતી હોય છે ગત સપ્ટેમ્બર માસથી રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાકટ પૂર્ણ થઈ ગયો છે. હાલ રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ છે પરંતુ પહેલાની સરખામણીએ કામગીરી ધીમી પડી ગઈ છે. હાલ બેલદાર રાખી રખડતા ઢોર પકડવાની કામગીરી કરાવવામાં આવી રહી છે. શહેરમાં આમ તો આખુ વર્ષ રખડતા ઢોરનો ત્રાસ રહેતો હોય છે પરંતુ આ ત્રાસ ચોમાસાની ઋતુમાં ખુબ જ વધી જતો હોય છે તેથી લોકો પરેશાન થઈ જતા હોય છે. ચોમાસાની ઋતુમાં રખડતા ઢોરનો ત્રાસ ઘટાડવા માટે મ્યુનિ દ્વારા ખાનગી કોન્ટ્રાકટ આપવામાં આવતો હોય છે અને આ કોન્ટ્રાકટના તેમજ મ્યુનિના કર્મચારીઓ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે. કોન્ટ્રાકટ શરૂ હતો ત્યારે રોજ આશરે 30 રખડતા ઢોર પકડી ઢોર ડબ્બામાં પુરવામાં આવતા હતા પરંતુ ગત તા. ર૬ સપ્ટેમ્બરે રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાકટ પૂર્ણ થઈ ગયો છે. હાલ મનપાના કર્મચારી અને કેટલાક બેલદારો દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. રોજના આશરે 15થી 20 રખડતા ઢોર પકડવામાં આવે છે, ચાલુ જાન્યુઆરી માસમાં આશરે 210 રખડતા ઢોર મનપાના અધિકારીએ દાવો કર્યો છે. હાલ રખડતા ઢોર પકડવાની કામગીરી ધીમી પડી ગઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બીએમસીએ રખડતા ઢોર પકડવા માટેની કામગીરી માટે પાંચ વાર ટેન્ડર બહાર પાડયા હતા પરંતુ કોઈ પાર્ટી આવી નથી. હવે છઠ્ઠીવાર ટેન્ડર બહાર પાડયુ છે ત્યારે ઢોર પકડવા માટેની એજન્સી મળે છે કે નહી ? તેની આગામી સમયમાં ખબર પડશે. મ્યુનિ. પાસે હાલ ત્રણ ઢોર ડબ્બા છે ત્રણેય ઢોર ડબ્બામાં મળી આશરે 250 0ઢોર છે અને મ્યુનિ. દ્વારા તેનો નિભાવ કરવામાં આવી રહ્યો છે.
શહેરના કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવ પણ વારંવાર બનતા હોય છે અને લોકોને નાની-મોટી ઈજા થતી હોય છે તેથી લોકોમાં રોષ જોવા મળતો હોય છે. રખડતા ઢોરના મામલે અનેકવાર લોકોએ રજુઆત કરી છે, છતા સરકારી તંત્ર દ્વારા પરિણામલક્ષી કામગીરી કરવામાં આવતી નથી.