ભાવનગરઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી વાહન ચેકિંગ ઝુબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ઘણા વાહનો ડિટેઈન કરીને આરટીઓના મેમો આપવામાં આવ્યા છે. આથી વાહનચાલકોએ દંડ ભરવા માટે મેમો લઈને આરટીઓ કચેરીમાં લાઈનો લગાવી દેવામાં આવી હતી. બીજી બાજુ આરટીઓ કચેરીમાં સર્વર ઠપ થતાં દંડ ભરવા માટે આવેલા વાહનચાલકોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. કેટલાંક અરજદારો દંડ ભર્યા વિના જ પરત ફર્યા હતા.
ભાવનગર શહેરમાં આગામી રથયાત્રાને લીધે પોલીસ દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન કોમ્બીંગ નાઈટનું આયોજન કરાયું હતું. જેમાં જુદા જુદા ગુના આચરતા કેટલાંક શખ્સોની અટકાયત તેમજ જાહેરમાં નશીલા પદાર્થનું સેવન કરી ફરી રહેલા શખ્સોને શોધીને લોક અપ હવાલે કર્યા હતા જેની સાથોસાથ 160થી વધુ કાર- બાઇકોને પણ ડિટેઇન કરી દંડ ફટકારી આટરીઓના મેમો આપવામાં આવ્યા હતા.આ વાહનોને છોડાવવા માટે થઇ વાહન ચાલકોએ સવારથી જ આર.ટી.ઓ.માં લાંબી કતારો લગાવી હતી જો કે, આર.ટી.ઓ.માં સર્વર ઠપ્પ થઇ જતાં સવારથી લાઇનમાં ઊભેલા કેટલાંક અરજદારોને પરત ફરવાનો વારો આવ્યો હતો. આર.ટી.ઓ. અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશના તમામ આર.ટી.ઓ. એક જ સર્વર ઉપર ચાલતા હોવાથી અવાર નવાર સર્વર ઠપ્પ થવાના પ્રશ્ન ઊભા થાય છે.
આર.ટી.ઓ.માં મેમા ભરવા આવેલા અરજદારોની લાંબી કતારો લાગી હતી તે વેળાએ ઇન્ટરનેટ ધીમું ચાલતા સર્વર પણ ઠપ્પ રહ્યું હતું જેથી આર.ટી.ઓ. અધિકારી ઇન્દ્રજીત ટાંકે કર્મચારીઓને પોતાના મોબાઇલના ઇન્ટરનેટ સાથે કમ્પ્યુટરોને જોડાણ કરવાની સુચના આપી હતી ત્યાર બાદ મોબાઇલનું જોડાણ કરતા સર્વર ફરી રાબેતા મુજબ શરૂ થતાં અરજદારોના મેમાનો નિકાલ કરાયો હતો.