Site icon Revoi.in

ભાવનગર યુનિવર્સિટીમાં ઈન્ચાર્જથી ચાલતો વહિવટ, કૂલપતિ અને અધિકારીઓ પણ કાયમી નહીં

Social Share

ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કૂલપતિથી લઈને મહત્વની જગ્યાઓ પર ઈન્ચાર્જથી વહિવટ ચલાવવામાં આવી રહ્યો છે. ઇન્ચાર્જથી ચાલતા વહિવટને કારણે યુનિવર્સિટીના અનેક વિકાસ કામો લાંબા સમયથી અટકી પડયા છે. ત્યારે કૂલપતિની કાયમી નિમણૂક કરવા કોંગ્રેસ કારોબારી સભ્ય રાજુ બેરડીયાએ રજૂઆત કરી છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં વિવિધ વિભાગના ડીનની જગ્યાઓ ખાલી છે. ફેકલ્ટી ડીન અને એસી, ઇસી સભ્યો પણ હાલ નથી. કુલસચિવનું પદ પણ ઇન્ચાર્જમાં છે. લીગલમાં પણ સક્ષમ અધિકારી નથી. ખુદ કુલપતિનું પદ પણ લાંબા સમયથી ઇન્ચાર્જથી ચાલી રહ્યું છે. ચૂંટણી પૂર્વે જાહેર થયેલા ડો.છાબરીયા પણ હાજર નહી થતા કુલપતિપદનો મામલો ગુચવાયો છે.

લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે નવી નિમણૂક કામગીરી અટકી હોવાનું કહેવાતુ હતુ. પરંતુ હવે આચારસંહિતા ઉઠી જતા સરકાર દ્વારા સર્ચ કમિટીએ સુચવેલા ત્રણ નામોમાંથી પણ કોઇ એકની નિમણૂક કરી શકે છે. પરંતુ આ નિમણૂક કામગીરી હજુ સુધી થઇ શકી નથી જેના કારણે ન છુટકે ઇન્ચાર્જથી ગાડુ ગબડાવાય છે. પરંતુ આ ઢીલી નીતિનું પરિણામ યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે. જેટલી ઝડપથી તટસ્થ અને યોગ્ય નિર્ણયો કાયમી કુલપતિ લઇ શકે છે તેટલા નિર્ણયો અને ઝડપ ઇન્ચાર્જમાં નથી હોતી જેથી કાયમી કુલપતિની તાકીદે નિમણૂક થાય તેવી માંગણી ઊઠી છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કાયમી કૂલપતિ ન હોવાથી વહિવટમાં અનેક વિટંબણાઓ ઊભી થઈ છે. આ અંગે કોંગ્રેસ કારોબારી સભ્ય રાજુ બેરડીયાએ જણાવ્યુ હતું કે, યુનિવર્સિટીમાં કૂલપતિથી લઈને મહત્વની જગ્યાઓ પર ઈન્ચાર્જથી વહિવટ ચલાવવામાં આવી રહ્યો છે. કૂલપતિથી લઈને મહત્વની જગ્યાઓ પર કાયમી નિમણુંક કરવામાં આવે તેવી માગ કરી છે.