Site icon Revoi.in

ભાવનગરમાં ઉનાળાના ત્રણ મહિનામાં ટેન્કરના 4024 ફેરા કરીને પાણી પહોંચાડાયું

Social Share

ભાવનગરઃ ભાજપ સરકાર દ્વારા હર ઘર નળ, હર ઘર જળનું સૂત્ર આપવામાં આવ્યુ છે. પણ શહેરી વિસ્તારોમાં પણ ઉનાળા દરમિયાન લોકોએ પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભાવનગર શહેરમાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા શરૂ થતા ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાણીના ટેન્કર દોડાવવાની ફરજ પડી હતી છેલ્લા ત્રણ મહિનામાં મ્યુનિના ફિલ્ટર વિભાગે આશરે 4.024  પાણીના ટેન્કર દોડાવ્યા હતા અને લોકોને પાણી પુરૂ પાડયુ હતું.

ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે સારો વરસાદ થતા ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ભરેલો છે,  તેમજ શહેરના બોરતળાવ અને  ખોડીયાર ડેમ પણ ભરેલા છે. ઉપરાંત મહીપરીએજનુ પાણી પણ ભાવનગર શહેરને મળે છે,  તેથી પાણીનો જથ્થો પુરતો છે. પાણીનો જથ્થો પુરતો હોવાના કારણે દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પાણીની સમસ્યા ઓછી જોવા મળી હતી પુરતુ પાણી હોવા છતા આયોજનના અભાવે, પાવરકાપ, ડ્રેનેજ ભળી જવી વગેરે પ્રશ્નનોના કારણે લોકોએ પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડી હતી. કોર્પોરેટરો તેમજ પદાધિકારીઓ અને  વોટર વર્કસ વિભાગને પણ પાણીની ફરિયાદ મળતા તેઓ પણ ફિલ્ટર વિભાગને જે તે વિસ્તારમાં પાણીના ટેન્કર મોકલવા સુચના આપતા હોય છે.  જેના પગલે ગત માર્ચ, એપ્રિલ અને મે માસ દરમિયાન મ્યુનિ.ના ફિલ્ટર વિભાગે આશરે 4.024  પાણીના ટેન્કર શહેરના જુદા જુદા વિસ્તારમાં મોકલ્યા હતાં.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં શિયાળા અને ચોમાસાની સરખામણીએ ઉનાળામાં પાણીની માંગ વધતા દરરોજ આશરે 44 પાણીના ટેન્કર જુદા જુદા વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. કેટલાક સ્લમ વિસ્તારમાં તેમજ ઉંચાણવાળા વિસ્તારમાં પાણીની સમસ્યા રહેતી હોય છે. આ ઉપરાંત નળ કનેકશન ન હોય તેવા વિસ્તારમાં પાણીની જરૂરીયાત વધુ રહેતી હોય છે. શહેરના છેવાડાના કેટલાક વિસ્તારમાં પાણી પ્રશ્ન હોવાથી લોકોની મૂશ્કેલી વધતી હોય છે. આ ઉનાળામાં મ્યુનિ.ને પાણી સમસ્યાની અનેક ફરિયાદ મળી છે અને ઘણા વિસ્તારની મહિલાઓએ મ્યુનિ.કચેરીએ આવીને રજૂઆત કરી રોષ વ્યકત કર્યો હતો