અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ભાવનગરના શિહોરમાં લગભગ એક કરોડની આંગડિયા લૂંટની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. અજાણ્યા લૂંટારુઓએ આંગડિયા પેઢીના બે કર્મચારીઓને આંતરીને તેમની પાસેથી એક કરોડની મતાની લૂંટ કરવાની સાથે આંગડિયા પેઢીના એક કર્માચારીનું અપહરણ કર્યાનું જાણવા મળે છે. પોલીસે લૂંટારુઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના શિહોરમાં જાણીતી આંગડિયા પેઢીના બે કર્મચારીઓ પેઢીના કિંમતી પાર્સલ લઈને મોટરસાઈકલ ઉપરથી પસાર થઈ રહ્યાં હતા. બંને કર્મચારીઓ ઢસાથી પાર્સલ લઈને બાઈક ઉપર આવી રહ્યાં હતા. દરમિયાન શિહોર નજીક અજાણ્યા શખ્સોએ આંગિડાય પેઢીના કર્મચારીઓને આંતર્યા હતા. તેમજ બંદૂક બતાવીને તેમની પાસેથી લાખોની મતા ભરેલા પાર્સિલની લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં લૂંટારુઓ એક આંગડિયા પેઢીનું તેની જ મોટરસાઈકલ ઉપર અપહરણ કરીને લઈ ગયા હતા. શિહોરમાં આંગડિયા લૂંટની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ હતું. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધવાની કવાયત આરંભી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસે રોકડ અને હીરાના દાગીના મળીને લગભગ એક કરોડથી વધારેની મતા હોવાનું ખુલ્યું હતું.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. ભાવનગર એસઓજી, એલસીબી સહિતનો પોલીસ કાફલો લૂંટારુઓની શોધખોળમાં લાગ્યાં છે. આ ઉપરાંત પોલીસે ઘટના સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવાની કવાયત શરૂ કરી છે.