Site icon Revoi.in

ભાવનગરના સિહોરમાં રોડ પર રખડતા પશુઓને લીધે વાહનચાલકોને પડતી મુશ્કેલી

Social Share

ભાવનગરઃ રાજ્યના અમદાવાદ સહિત મહાનગરમાં તો રખડતા ઢોરની સમસ્યા દુર થઈ ગઈ છે, પણ નાના શહેરોમાં હજુપણ રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. કારણ કે નગરપાલિકાઓ પાસે રખડતા ઢોરને પકડવાની કોઈ વ્યવસ્થા નથી. ભાવનગરના સિહોર શહેરમાં છેલ્લા એક વર્ષથી રખડતા ખુંટીયા તથા પશુઓને ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં રખડતા ઢોરોએ બે વ્યકિતઓનો ભોગ લીધો હતો તેમજ ત્રણથી ચાર વ્યકિતઓને ઈજાગ્રસ્ત કર્યા હોવા છતાં નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય છે.

ભાવનગરના સિહોર શહેરમાં આવેલા રેલવે સ્ટેશન રોડ, અમદાવાદ રોડ, દાદાની વાવ, વડલા ચોક, પ્રગટનાથ રોડ, ધનકેડી રોડ, મેઈન બજાર, શાક માર્કેટ, કંસારી બજાર, જુના સિહોર સહિતના અનેક વિસ્તારોમાં 20 થી 25 ઢોરના ટોળા રોડ પર અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. ઘણીવાર ખૂંટીયાઓ એકાએક દોડાદોડી કરતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતા હોય છે. તાજેતરમાં સિહોરમાં રખડતા ઢોરએ ઢીંક મારતા રહિમભાઈ મુસાણી અને જૈતુનબેન સૈયદના મોત નિપજયા હતા. અત્યાર સુધીમાં સિહોર શહેરમાં ખૂંટીયાએ ઢીંક મારતા ગંભીર રીતે ઘવાયેલા 5 થી 6 વ્યકિતઓના મોત નિપજયા હતા. શહેરના ઘણાબધા વિસ્તારોમાં દિવસ અને રાત્રી દરમિયાન  પશુઓ લાંબો સમય સુધી અડીંગા જમાવીને રોડ પર અડચણરૂપ પડયા પાથર્યા રહેતા હોય છે.  છતાં સિહોર નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાત હાઈકોર્ટની તાકિદ  છતાં સિહોરમાં જાણે કે, ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય જેના કારણે દિન પ્રતિદિન રખડતા ઢોરની સંખ્યા વધતી જાય છે. શહેરના મેઈન બજારોમાં બહારગામથી હટાણા કરવા આવતા લોકોના લીધે ભારે ભીડ રહેતી હોય છે જેથી આવા લોકો રખડતા ઢોરની ઝપટે ન ચડી જાય અને વધુ કોઈ નિર્દોષ વ્યકિતનો ભોગ ન લેવાય તે માટે નગરપાલિકાએ આવા રખડતા ઢોરને પકડવા માટે અસરકારક ઝુંબેશ હાથ ધરવી જોઈએ. (File photo)