ભાવનગરઃ જિલ્લાના સિહોર તાલુકામાં નીલગાયો તેમજ જંગલી ભૂંડોના ત્રાસને લીધે ખેડુતો પરેશાની ભોગવી રહ્યા છે. તાલુકાના સોનગઢ, સણોસરા, ટાણા સહિતના ગામની સીમમાં રાત્રે નીલગાયોના ટોળાં આવીને ખેતરોમાં વાવેલા પાકનો નાશ કરી દેતા હોય છે. આ ઉપરાંત જંગલી ભૂંડનો ત્રાસ પણ વધતો જાય છે.
ભાવનગરના સિહોર તાલુકો કૃષિ ઉત્પાદનમાં સારૂએવું સ્થાન ધરાવે છે. ખેડૂતો રાત- દિવસ પોતાના ખેતર કે વાડીમાં રખેવાળી કરીને અમુલ્ય પાકનું ઉત્પાદન કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ઊભા પાકને રોંદતા નીલગાયો અને ભુંડના ત્રાસથી ધરતીપુત્રો ભારે ચિંતિત બની ગયા છે. હાલની પરિસ્થિતિ એવી છે કે, ખેડૂતોને પોતાના પાકને બચાવવા માટે મહેનત કરવી પડે છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ખેડુતો પોતાનું ખેતર કે વાડી છોડી ન શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જો રખેવાળીમાં થોડીઘણી પણ ચૂક થાય તો માલ હતો ન હતો બની જાય છે. નીલગાયો અને ભુંડના ટોળેટોળાં જે ખેતરમાં ઊમટી પડે તે ખેતરના પાકનો કચ્ચરઘાણ વળી જાય છે. વાડીના માલિક કે તેના પરિવારજનો પૈકીના એકે સતત ચોકીદારી કરવી જ પડે. એમાંય વાડી વિસ્તારોમાં તો વીજળીનો એક સપ્તાહ દિવસનો અને એક સપ્તાહ રાત્રિનો વારો હોય છે.
સિહોર તાલુકાના ગામડાંમાં આ વખતે સિંચાઈ માટે પાણી મળી રહેતુ હોવાથી ખેડુતોએ સારાપાકની આશાએ ઉનાળું પાકનું વાવેતર કર્યું છે. જો કે છેલ્લા બે વરસથી વરસેલા ઓછા વરસાદને કારણે ખેડુતોની આર્થિક કમર તૂટી ગઇ હતી. હવે સારાપાકની આશા છે. ત્યારે નીલગાયો અને ભુંડનો ત્રાસથી ખેડુતો પરેશાન બની રહ્યા છે. નીલગાયો અને ભુંડનો ત્રાસ ખેડુતો માટે કાયમી શિરદર્દ સમાન બની ગયો છે.