Site icon Revoi.in

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દર્દીઓએ ગરમીથી બચવા ઘેરથી પંખા લાવવા પડે છે

Social Share

ભાવનગરઃ શહેરમાં કાળઝાળ ગરમીએ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયે લોકો કામ વિના બહાર નિકળવાનું ટાળતા હોય છે. ત્યારે શહેરની સર ટી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે પુરતી સંખ્યામાં પંખાઓ ન હોવાથી દર્દીઓને પોતાના ઘરેથી જ  ટેબલફેન લઈને જવાની ફરજ પડી રહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિતની સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓ માટે એરકૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દર્દીઓ માટે કોઈ વ્યવસ્થા ન કરાતા દર્દીઓને ટેબલ ફેન લઈને સારવાર માટે આવવાની ફરજ પડી રહી છે.

ભાવનગર શહેરની સર ટી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની હાલત કફોડી બની છે. હોસ્પિટલના જનરલ વોર્ડમાં પુરતા સિલિંગ ફેન જ નથી. તેથી દર્દીઓને ઘરેથી પેડેસ્ટલ પંખા (ટેબલ પંખા) લાવવાની ફરજ પડી રહી છે. ગાંધીનગર પી.આઇ.યુ.માંથી દર્દીઓને કુલર પંખા સહિતની વ્યવ્સથા પુરી પાડવી તેવો આદેશ છુટ્યો હોવા છતાં હજુ સુધીં સિવિલના સુપ્રીટેન્ડેન્ટ તેમજ હોસ્પિટલ તંત્ર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.

ભાવનગર સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના મનઘડત નિર્ણયના કારણે સિવિલ હોસ્પિટલના કર્મચારીથી માંડી સારવાર માટે આવતા દર્દીઓની હાલત અંત્યત કફોડી બની છે. હાલ અસહ્ય ગરમીમાં મોટાભાગના જનરલ વોર્ડમાં પંખા તો છે પણ તે લૂં ફેંકતા હોવાથી દર્દીઓને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે. ત્યારે દસેક દર્દીઓમાંથી છ જેટલાં દર્દીઓ ગરમીથી બચવા ઘરેથી પંખા લઇ આવવા મજબુર બન્યા છે. જો કે, હોસ્પિટલના કેટલાંક પંખા  સાવ ધીમા ફરતા હોવાથી દર્દીઓની હાલત કફોડી બની છે. ગાંધીનગર વડી કચેરીથી દર્દીઓને કુલર પંખા આપવા સહિતનો આદેશ કરાયો છતાં તંત્ર દ્વારા કેમ કોઇ પગલાં લેવામાં આવતા નથી તે એક મોટો પ્રશ્ન છે તેમજ પ્રાથમિક તબક્કે રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી દર્દીઓ માટે પંખા લગાવવા તેવું વડી કચેરીમાંથી કહેવાયા છે.