ભોપાલઃ ભારતીય વાયુસેના 8 ઓક્ટોબરે તેનો 91મો સ્થાપના દિવસ ઉજવશે. આ અવસરની યાદમાં વાયુસેના દ્વારા આજે ભોપાલમાં ફ્લાય પાસ્ટનું આયોજન કરાયું હતું. સ્થાનિકો તેમજ યુવાનો આ કાર્યક્રમ નિહાળી શકે તે માટેની પણ વ્યવસ્થા કરાઈ હતી. મોટા તળાવની આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. આ સમારોહમાં મહિલા પાયલોટે પણ ભાગ લીધો હતો. ભારતીય વાયુસેનાના 65 ફાઇટર એરક્રાફ્ટે આ કાર્યક્રમમાં અદ્ભુત સ્ટંટ કરીને લોકોને રોમાંચિત કર્યા હતા.
આ વખતે ભારતીય વાયુસેનાના સ્થાપના દિવસની થીમ ‘એર પાવર બિયોન્ડ બાઉન્ડ્રીઝ‘ હશે. વાયુસેનાના આ સમારોહમાં 21 એરક્રાફ્ટ રાજાભોજ એરપોર્ટથી અને બાકીના 3 એરક્રાફ્ટે EME સેન્ટરથી ઉડાન ભર્યા હતા, જ્યારે આગ્રા, ગ્વાલિયર અને ગાઝિયાબાદથી ઉડતા કેટલાક ફાઇટર એરક્રાફ્ટે પણ અહીં પ્રદર્શન કર્યું હતું. તેજસ, આકાશ ગંગા, ચિનૂક, રુદ્ર, બાદલ, શમશેર, ત્રિશુલ, સારંગ, જગુઆર, સૂર્ય કિરણ જેવા વિમાન અને હેલિકોપ્ટર ફ્લાય પાસ્ટમાં પોતાની શક્તિ બતાવી હતી. આ કાર્યક્રમમાં દેશભરમાંથી લગભગ 400 પાયલોટ અને અધિકારીઓએ ભાગ લીધો હતો.
રાજધાની ભોપાલના વાદળી આકાશમાં શનિવારે ભારતીય વાયુસેનાએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. સેનાના પાયલોટોએ ફાઈટર પ્લેન વડે પોતાની બહાદુરી અને સાહસનું પ્રદર્શન કર્યું હતું. સેનાની આ ભવ્યતા જોવા માટે ભોપાલના લોકો શનિવાર સવારથી જ વીઆઈપી રોડ અને લેક વ્યૂ રોડ પર એકઠા થવા લાગ્યા હતા. આ સાથે લોકોએ ઘરોની છત પર પણ ધામા નાખ્યા હતા.
ભારતીય વાયુસેનાની 91મી વર્ષગાંઠ નિમિત્તે ફ્લાયપાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સ્કાયડાઇવર્સ દ્વારા આકાશમાં ત્રિરંગો બનાવીને કરવામાં આવી હતી. આ પછી જ્યારે ચિનૂક હેલિકોપ્ટર તળાવ પાસે પહોંચ્યું તો લોકોએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું હતું. આ પછી હેલિકોપ્ટર તિરંગો લઈને આગળ આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં અને અંતે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.