ભૂજમાં માનસિક અસ્વસ્થ વ્યક્તિ બસ હંકારવા લાગ્યો, અનેક વાહનોને અડફેટે લીધા
ભુજઃ શહેરમાં સોમવારે એક માનસિક અસ્વસ્થ વ્યકિતએ પાર્કિંગમાં પડેલી ખાનગી બસ ચાલુ કરી દેતા અફરાતફરી મચી હતી. બસ દોડવા લાગતા રસ્તા પર પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું. કેટલાક લોકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. પાગલને બસ ચલાવતો જોઈને લોકોએ પણ દોડાદોડી કરી મુકી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભુજ શહેરના વીડી સર્કલ પાસે સોમવારે સવારે ઉભેલી ખાનગી બસમાં એક માનસિક અસ્વસ્થ વ્યક્તિ ચડી ગયો હતો અને ડ્રાઈવર સીટ પર બેસી બસનો સેલ મારી બસ ચાલુ કરી દેતા ગિયરમાં પડેલી બસ ચાલતી થઈ હતી. જેના કારણે આસપાસ ઉભેલા બેથી ત્રણ વ્યક્તિ હડફેટે આવી જતા ઇજા થઈ હતી. બાદમાં ધીમી ગતિ સાથે બસ સામે તરફના માર્ગે જઈને અટકી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યાં અનેક દ્વિચક્રી વાહનોને નુકસાન થયું હતું. બનાવના પગલે આસપાસના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે ઘટનાસ્થળે ઉપસ્થિત ભીડે બસ ચાલાવનારા માનસિક અસ્વસ્થ વ્યક્તિને પકડી પાડીને નીચે ઉતારી દીધો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભૂજ શહેરના વીડી સર્કલ પાસે. ગાંધીધામ આદિપુર, મુન્દ્રા માંડવી તરફ જતી ખાનગી મીની લકઝરી બસો પ્રસ્થાન કરતી હોય છે. જે પૈકીની એક બસ ઉપર પાગલ ચડી ગયો હતો અને બસને હંકારી મૂકી હતી. ઉલ્લેખનીય છે એક વર્ષ પૂર્વે ભચાઉ એસટી વર્કશોપમાં પડેલી બસને પણ એક પાગલ વ્યક્તિએ હંકારી મુકતા અફડાતફડીનો માહોલ સર્જી દીધો હતો.