પટણાઃ બિહારના મુઝફ્ફરપુરના જુરાન છપરા ખાતેની આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 65 લોકોએ આંખોની રોશની ગુમાવી દીધી છે આ ઓપરેશન 22 નવેમ્બરના રોજ થયું હતું. હાલત એટલી ગંભીર છે કે 12 લોકોની આંખો પણ કાઢી નાખવી પડી હતી. આ બનાવને પગલે વિપક્ષે સીએમ નીતિશકુમાર સરકાર ઉપર આક્ષેપ પ્રહાર કર્યો હતો. આ ઉપરાંત જવાબદારો સામે પગલા ભરવાની માંગણી કરી હતી. મોતિયાના ઓપરેશનના એક સપ્તાહ બાદ લોકોની આંખોની રોશની ઘટી ગઈ હતી. લગભગ બે ડઝન લોકોની આંખોમાં ચેપ લાગ્યો હતો. ઈન્ફેક્શન એ રીતે વધી ગયું કે તેની આંખો કાઢી નાખવી પડી.
આરજેડી નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પોતાના એક ટ્વીટમાં લખ્યું છે કે, દેશના સૌથી ખરાબ અને પછાત બિહારની આરોગ્ય વ્યવસ્થા જુઓ. મુઝફ્ફરપુરમાં 65 લોકોની આંખોનું ઓપરેશન કરવામાં આવ્યું, બધાનું ઓપરેશન એક ટેબલ પર કરાયાં હતા. આ દર્દીઓની રોશની આવવાની વાત તો દૂર રહી ઉપરથી તેમની આંખો દૂર કરવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. મુખ્યમંત્રી અને ભાજપના આરોગ્ય મંત્રીને જનતા સાથે કોઈ લેવાદેવા નથી. ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીના કારણે લોકોની આંખોમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું. જેના કારણે તેણે આંખોની રોશની ગુમાવવી પડી હતી. ડો.એન.ડી.સાહુ મોતિયાના ઓપરેશન માટે કોન્ટ્રાક્ટ પર આવ્યા હતા. તેમણે આંખની હોસ્પિટલમાં એક પણ ઓપરેશન કર્યું નથી. પરંતુ તે ઘટનાના દિવસથી 27 નવેમ્બર સુધી આઈ-હોસ્પિટલમાં કામ કરતો રહ્યો. લોકો આ મામલામાં છેતરપિંડીની આશંકા સેવી રહ્યા છે.