Site icon Revoi.in

બીજે મેડિકલ કોલેજમાં NMCના ઈન્સ્પેક્શન પહેલા 17 અધ્યાપકોની ટ્રાન્સફરથી જગ્યાઓ ભરાઈ

Social Share

અમદાવાદઃ રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી બી.જે.મેડિકલ કોલેજમાં આગામી દિવસમાં નેશનલ મેડિકલ કમિશનનું ઇન્સ્પેક્શન આવવાનું છે ત્યારે જુદી જુદી કોલેજોમાંથી 17 અધ્યાપકોની ટ્રાન્સફર બી.જે.મેડિકલ કોલેજમાં કરવામાં આવી છે. આ તમામ અધ્યાપકોને તાકીદે બી.જે.મેડિકલ કોલેજમાં પહોંચવા સુચના આપવામાં આવી હતી..

સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ મેડિકલ કમિશન દ્વારા તાજેતરમાં તબીબી પ્રોફેસરોના આધારકાર્ડ અને બાયોમેટ્રિક્સ લીંક કરવા તાકીદ કરવામાં આવી હતી. આ પ્રકારના આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્સ્પેક્શન દરમિયાન ખરેખર જે તે મેડિકલ કોલેજમાં કેટલા અધ્યાપકો છે તેની ચકાસણી કરવાનો હતો. એનએમસીના આદેશ પછી પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જુદી જુદી કોલેજોમાંથી 17 અધ્યાપકોની ટ્રાન્સફર બી.જે.મેડિકલ કોલેજમાં કરી દેવામાં આવી છે. આ અધ્યાપકોમાં મેડિસીનના 11 અધ્યાપકો, પિડિયાટ્રીક્સના 2 અધ્યાપક, બાયોકેમેસ્ટ્રીના 2 અધ્યાપક અને રેડિયોલોજીના 2 અધ્યાપકોનો સમાવેશ થાય છે.  આ તમામ અધ્યાપકોને ભાવનગર, રાજકોટ, વડોદરા, રાજકોટ, સુરતની મેડિકલ કોલેજોમાંથી અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર આપવામાં આવી છે. ટ્રાન્સફરના આદેશ બાદ તાકીદે બી.જે.મેડિકલ કોલેજમાં પહોંચવા સૂચના આપી દેવામાં આવી છે. મહત્ત્વની વાત એ કે બી.જે.મેડિકલ કોલેજમાં ગમે ત્યારે નેશનલ મેડિકલ કમિશનનું ઇન્સ્પેક્શન આવે તેમ હોવાથી આ ટ્રાન્સફર કરવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં અધ્યાપકોની સંખ્યા પુરતી નથી. નેશનલ મેડિકલ કમિશન દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવે તે પહેલા જ રાજ્યની અન્ય સરકારી મેડિકલ કોલેજોમાંથી 17 અધ્યાપકોની બદલીઓ કરીને બીજે મેડિકલ કોલેજમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. અને બદલી કરાયેલી અધ્યાપકોને તાકીદે ચાર્જ સંભાળી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.