ભાજપમાં CM રૂપાણી બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ બન્યાં પેજ પ્રમુખ
અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં છ મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ ભાજપ દ્વારા ગુજરાતમાં સંગઠનને વધારે મજબુત કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત ભાજપના સામાન્ય કાર્યકરની જેમ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ મનપાના એક વોર્ડમાં પેજ પ્રમુખ બન્યાં છે. હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડી શહેરના બૂથ નંબર 121ના પેજ નંબર 39ના પેજ પ્રમુખ બન્યાં છે.
નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે તમામ મતદારોમાંથી પાંચ સદસ્યને સમાવિષ્ટ કરી પેજ કમિટીની રચના પૂર્ણ કરી ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષને યાદી સુપરત કરાઈ હતી. તેમજ પેજ પ્રમુખ બન્યા બાદ ભાજપના તમામ કાર્યકરોને પેજ કમિટીની રચના વહેલી તકે પૂર્ણ કરીને કાર્યકર તરીકેને ફરજ બજાવવા નીતિન પટેલે અપીલ કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ પેજ પ્રમુખ બન્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છ મનપા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની પણ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ હોવાનું પણ જાણવા મળે છે.