1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બોટાદ જિલ્લામાં રૂ. 298 કરોડનાં વિકાસ કાર્યોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
બોટાદ જિલ્લામાં રૂ. 298 કરોડનાં વિકાસ કાર્યોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

બોટાદ જિલ્લામાં રૂ. 298 કરોડનાં વિકાસ કાર્યોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

0
Social Share

બોટાદઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પ્રજા કલ્યાણને સર્વોપરી ગણીને પ્રજાલક્ષી કાર્યો કરીએ એ જ પ્રજાસત્તાક દિવસની સાર્થક ઉજવણી છે. ગુજરાત વિકાસના નીત નવા શીખરો હાંસલ કરે રહ્યું છે. રાજ્યમાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા, આ ત્રણેય ક્ષેત્રોનો મજબૂત પાયો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે નાખ્યો છે. પ્રજાસત્તાક પર્વના ઉપલક્ષમાં  બોટાદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે  રૂપિયા 298 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ જ વિકાસક્રમનું ઉદાહરણ છે એમ તેમણે ઉમેર્યું હતું.

74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બોટાદ જિલ્લામાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જનમેદની સંબોધતાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સંતો અને કવિઓની ભૂમિ બોટાદ પણ હવે વિકાસના નકશામાં ઉભરી રહ્યું છે.  દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી જેવું સફળ નેતૃત્વ આપણને સાંપડ્યું છે એ આપણું ગૌરવ તો છે જ પરંતુ તેઓ વૈશ્વિક ઓળખ પણ પામ્યા છે. વિકસિત દેશોમાં રોજગારીની સમસ્યા વકરી રહી છે તેની સામે ભારતમાં રોજગારી વધી રહી છે, એમ  તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વિકાસનાં કાર્યોમાં લોક ભાગીદારી પણ એટલી જ મહત્ત્વની છે, અને ગુજરાત તે દિશામાં નવા આયામો પ્રસ્થાપિત કરી રહ્યું છે. રાજ્યમાં વિકાસના કાર્યોની ગતિ વધુ તેજ બની છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેલ મહાકુંભનો પાયો નાખ્યો હતો, જેથી છેવાડાના ગામના રમતવીરોને તમામ સુવિધાઓ અને માર્ગદર્શન મળ્યા છે.  સ્પોર્ટ્સ ક્ષેત્રે જ્યાં તક નહોતી ત્યાં તક ઊભી કરવાનું કામ આપણી સરકારે કર્યું છે. બોટાદમાં બનનાર સ્પોર્ટ્સ સંકુલ આવી ઘણી નવી તકોનું સર્જન કરશે, એવો આશાવાદ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ભારત આ વર્ષે જી-20 સમિટની યજમાની કરી રહ્યું છે. જી-20ના 15 કાર્યક્રમ ગુજરાતમાં પણ યોજાશે.  નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન આપેલો વિકાસ મંત્ર સાર્થક કરવા આપણે પ્રયત્નશીલ બનીએ તે સમયની માંગ છે.  આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી દેશ અમૃત કાળમાં પ્રવેશી ચૂક્યો છે ત્યારે આ અમૃતકાળમાં જ ભારત વિકસિત રાષ્ટ્ર બને અને તે માટે આપણે ગુજરાતને પણ વધુને વધુ વિકસિત બનાવવા પ્રયાસો કરીએ, એવું તેમણે આહવાન કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાના ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જ્યારે ધર્મ અને આસ્થાના કેન્દ્ર સમાન બોટાદ જિલ્લામાં થવા જઈ રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થવા જઈ રહેલા અનેક વિકાસકાર્યોનાં ઈ- લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કાર્યો થકી આવનારા દિવસોમાં બોટાદ જિલ્લો વિકાસના નવાં શિખરો સર કરશે.

આ તકે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા કલેકટર બીજલ શાહે જણાવ્યું હતું કે બોટાદ જિલ્લો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસીઝ બંને આયામોમાં સતત પ્રગતિ કરી રહ્યો છે. વહીવટી તંત્ર બોટાદ જિલ્લાની 7.5 લાખની જનતા માટે યોજનાકીય લાભો પહોંચાડવા સતત તત્પર છે. વર્ષ 2022માં 700 દિવ્યાંગોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા, જ્યારે જાન્યુઆરી માસના 24 દિવસમાં 349 દિવ્યાંગોને  પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વારસાઈ નોંધોમાં પણ ગયા વર્ષે 1614  નોંધો લેવાઈ હતી ત્યારે જાન્યુઆરી માસના 24 દિવસમાં સુઓમોટો વારસાઈ ઝુંબેશ હેઠળ 587 નોંધો પાડવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code