અમદાવાદઃ ભાજપ દ્વારા છોટાઉદેપુરમાં જાહેર મંચ પર એક બુટલેગરનું સન્માન કરતા વિવાદ ઊભો થયો છે. રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન, ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ, મધ્ય ગુજરાતના પ્રભારી એવા ગોરધન ઝડફીયા દ્વારા ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ જયસ્વાલનું પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ભાજપા ચૂંટણી જીતવા માટે અસામાજીક તત્વો અને બુટલેગરોનો સહાયો લઈ રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુરમાં તા. 23/03/2024ના રોજ ભાજપના નવા કમલમ મકાનની જમીન ઉપર કાર્યક્રમમાં આંતર રાજ્ય બુટલેગર તરીકે કુખ્યાત ગુન્હેગાર ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ જયસ્વાલનું પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતુ. આ એ ગુન્હેગાર છે કે જેની સામે છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં આવતા સામેના ક્વાંટ, કરાલી, છોટા ઉદેપુર, પાનવડ, સાગટાળા, મોરવા, ડભોઈ અને તિલકવાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના આઠ ગુન્હાઓ નોંધાયેલા છે. આ ગુન્હેગારનું સન્માન જ્યારે ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રીએ કર્યું ત્યારે “એ પણ જાહેરાત કરવામાં આવી હતી કે ભાજપા નું કમલમ બની રહ્યું છે, તેની જમીન પણ આ બુટલેગરે આપી છે.”
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, આ બુટલેગરને છોટાઉદેપુરની પોલીસે વર્ષ 2022માં ધરપકડ કરી હતી અને જેલમાં નાખ્યો હતો. પરંતુ તેના થોડાક જ સમયમાં પોલીસ પર એસીબી એટલે કે ભ્રષ્ટાચાર વિરોધી શાખાના દરોડા પાડયા હતા. આ સમગ્ર બાબત અને ઘટનાક્રમ ભાજપા અને આવા અસામાજિક તત્વો સાથેની સાંઠ ગાંઠ ઉપર શંકાઓ ઉભી કરે છે. જેની તપાસ કરીને છોટાઉદેપુર પોલીસ દ્વારા લોકોને આવા અસામાજિક તત્વો અને ભાજપાની સાંઠ ગાંઠ સામે સુરક્ષાની ખાતરી કરાવવી જોઇએ. ભારતીય ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસની માંગણી છે કે આ આંતર રાજ્ય ગુન્હેગાર એવા પિન્ટુ જયસ્વાલને ભાજપાના મંચ ઉપર આમંત્રિત કરી સન્માન કરનારા અને મંચ ઉપર હાજર રહેનારા છોટાઉદેપુર ભાજપાના નેતાઓના દારૂની હેરાફેરી અંગે શું સબંધો રહ્યા છે તેની તપાસ થવી જોઈએ. આ બુટલેગરે ભાજપાના કમલમ માટે આપેલી જમીન અને તેની સામેના પોલીસ કેસો સાથે શું સંબંધ છે તેની તપાસ કરાવવામાં આવે અને આ જમીન ઉપર કમલમ બનાવવા માટેની મંજૂરી રદ કરવામાં આવે. ભારતીય ચૂંટણી પંચ ન્યાયીક માંગણીઓ અંગે ગંભીરતા પૂર્વક ત્વરિત કાર્યવાહી કરે તેવી માગ છે.