નવી દિલ્હીઃ ઈન્ટરનેટ અને AI ટૂલ્સના ઝડપથી વધી રહેલા ઉપયોગને કારણે ફેક ન્યૂઝનું પૂર આવ્યું છે. કોઈપણ સરકાર માટે ફેક ન્યૂઝને રોકવું ખૂબ જ મુશ્કેલ કામ બની ગયું છે. ચીન પણ આમાંથી બચ્યું નથી. હવે ચીને આવા એક લાખ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે જે ફેક ન્યૂઝ ફેલાવતા હતા. તેમાંના મોટાભાગના Weibo ના એકાઉન્ટ છે, જેને ચાઇનીઝ ટ્વિટર કહેવામાં આવે છે અને તે ચીનનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ છે.
સાયબર સ્પેસ એડમિનિસ્ટ્રેશન ઓફ ચાઈના (CAC) એ આ માટે એક અભિયાન શરૂ કર્યું છે. CACએ કહ્યું છે કે, સમીક્ષામાં લાખો એકાઉન્ટ બોગસ સમાચાર ફેલાવતા જોવા મળ્યા છે. CAC દ્વારા કહેવામાં આવ્યું છે કે, બોગસ સમાચાર માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલ્સની મદદથી એન્કર તૈયાર કરવામાં આવી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
ફેક ન્યૂઝ સૌથી સળગતા મુદ્દાઓ પર તૈયાર કરવામાં આવે છે જેમાં આંતરરાષ્ટ્રીય વર્તમાન બાબતો અને સામાજિક ઘટનાઓનો સમાવેશ થાય છે. CAC એ તેની વેબસાઇટ પર એક નિવેદન પ્રકાશિત કર્યું છે. CAC ફેક ન્યૂઝને ઓળખવા માટે લોકોને જાગૃત પણ કરી રહી છે. ચીનની સરકાર ઈન્ટરનેટ પર શેર કરવામાં આવતી સામગ્રી પર પણ નિયમિતપણે નજર રાખી રહી છે.
સામગ્રીની ભાષા પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં CAC એ ઓનલાઈન ટિપ્પણીઓ પર કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે જે વ્યવસાયો અને ઉદ્યોગસાહસિકોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ChatGPT જેવા AI ટૂલ્સ ફેક ન્યૂઝમાં વધારો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા ચીનમાં એક વ્યક્તિની ChatGPTના દુરુપયોગ બદલ ધરપકડ કરવામાં આવી છે.