નવી દિલ્હીઃ ચીનમાં મોટા બેંક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગ્રામીણ બેંકોમાં ઊંચા વ્યાજ દરોના ખોટા વચનો આપીને લોકોની જીવનભરની કમાણી ચાંઉ કરવા બદલ પોલીસે 234 લોકોની ધરપકડ કરી છે. આ મામલો 580 મિલિયન ડોલર એટલે કે 46.3 હજાર કરોડ રૂપિયાના કૌભાંડ સાથે સંબંધિત છે. જ્યારે લોકો તેમના પૈસા ઉપાડવા માટે બેંકોની બહાર મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા હતા. તે સમયે સરકાર દ્વારા બેંકોની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી.
અત્રેઉલ્લેખનીય છે કે આ કેસમાં વધુ ધરપકડ થઈ શકે છે. એક અહેવાલ મુજબ, મધ્ય ચીનમાં અધિકારીઓએ ગ્રામીણ બેંકોમાં થાપણો પર વધુ વ્યાજ દરના ખોટા વચનો આપીને લોકો સાથે 46.3 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. મધ્ય ચીનના અધિકારીઓના નિવેદન અનુસાર, હેનાન પ્રાંતના શુચાંગ શહેરમાં પોલીસે કૌભાંડ સાથે સંબંધિત 234 શકમંદોની ધરપકડ કરી હતી અને છેતરપીંડીની રકમ પરત મેળવવા કવાયત વધારે તેજ બનાવી છે.
પોલીસે કહ્યું છે કે, લુ યીવેઈએ કાવતરું ઘડ્યું હતું અને તે માસ્ટરમાઇન્ડ હતો. તેણે હેનાન પ્રાંતમાં ચાર ગ્રામીણ બેંકો ગેરકાયદેસર રીતે ચલાવી અને તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હતું. આ લોકો રોકાણકારોને એવી લાલચ આપતા હતા કે, તેઓને થાપણો પર વાર્ષિક 13 થી 18 ટકા વ્યાજ મળશે. રોકાણકારોને વિશ્વાસમાં લઈને આ લોકોએ બેંકનું મોટું કૌભાંડ આચર્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર ચીનમાં કરોડોના બેંક કૌભાંડનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. તેમજ આ પ્રકરણ સામે આવ્યા બાદ સરકાર પણ એકશનમાં આવી છે અને જવાબદારો સામે કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ આ કૌભાંડને પગલે ચીનના અર્થતંત્રને પણ અસર થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.