અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ શહેરોમાં લીલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયા બાદ હવે અધિક માસ અને વ્રતના પ્રારંભ પહેલા જ ફળોના ભાવમાં પણ વધારો થયો છે. સફરજન, ચેરી, રાસબરી, કેળા, જમરૂખ, ઓરેન્જ ચીકુ સહિત તમામ ફળોના ભાવમાં વધારો થયો છે.
ટામેટા અને લીલા શાકભાજી બાદ હવે ફ્રુટના ભાવમાં પણ જબ્બર ઉછાળો આવ્યો છે. એકતરફ વરસાદી સિઝન, મંગળવારથી શરૂ થતો અધિક માસ અને વ્રતના દિવસો નજીક આવતા હોવાથી હાલ ફળોના ભાવ એકાએક ઉંચકાયા છે. આથી સામાન્ય લોકો માટે ઉપવાસ કરવા પણ મુશ્કેલ બન્યા છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મંગળવારથી અધિક શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. તેમજ દશામાના વ્રતની પણ શરૂઆત થઈ રહી છે. આ દિવસો દરમિયાન લોકો વ્રત, ઉપવાસ રાખતા હોય છે. જે ઉપવાસ અને વ્રત દરમિયાન સૌથી વધારે લોકો ફળોને આરોગતા હોય છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિના દરમિયાન લોકો ક્યાંક ઓછા ફળો આરોગે તો નવાઈ નહીં. કારણ કે શ્રાવણ મહિનો અને દશામાંનું વ્રત આવતા જ ફળોના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે. માત્ર શ્રાવણ મહિનો અને દશામાંના વ્રતના કારણે નહીં પરંતુ વરસાદના કારણે પણ ફળોના ભાવમાં વધારો નોંધાયાનું વેપારી કહી રહ્યા છે.
શહેરના નરોડા વિસ્તારના ફ્રુટના વેપારીઓના કહેવા મુજબ એક સપ્તાહ પહેલાના જે ભાવો હતાઅને હાલના ભાવો પર એક નજર કરીએ તો સફરજન એક સપ્તાહ પહેલા 200 થી 250 કિલો જે હાલ 300ના કિલોનો ભાવ છે. જ્યારે કેરી એક સપ્તાહ પહેલા 300 થી 400ની પેટી મળતી જે હાલ 600 ની પેટીનો ભાવ છે. સિઝનેબલ ચેરી એક સપ્તાહ પહેલા 200 થી 250 ની પેટી મળતી જે હાલ 400 ની પેટી તેમજ રાસબરી એક સપ્તાહ પહેલા 100 ની કિલો મળતી જે હાલ 200ની કિલો. અને કેળા એક સપ્તાહ પહેલા 40ના ડઝન હતા જે હાલ 60 ના ડઝન થયા છે. આ ઉપરાંત જમરૂખ હાલ 200 ના કિલો હોવા જોઈએ જે હાલ 300 ના કિલો તેમજ ઓરેન્જ એક સપ્તાહ પહેલા 100ના કિલો હતા જે હાલ 140 ના કિલો તથા ચીકુ એક સપ્તાહ પહેલા 80 ના કિલો હતા જે હાલ 150 ના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
ફ્રુટ્સના વેપારીઓના કહેવા મુજબ સફરજન અને ચેરીના ભાવમાં વધારો નોંધાયો છે. તે સિવાય અન્ય ફળોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. વેપારીના મતે શ્રાવણ મહિનો અને દશામાનું વ્રત આવતા સામાન્ય ભાવ ઉછાળો જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે આ મહિનાઓ સાથે જે જગ્યા ઉપરથી સૌથી વધારે ફળો આવતા હોય છે એવા હિમાચલમાં વરસાદ અને પુર આવવાના કારણે ફળોના પાકને નુકસાન થયું છે. રસ્તાઓનું ધોવાણ થતા ફળોના આવવાની પણ સમસ્યા સર્જાઈ રહી છે. જે બે બાબતને લઈને શ્રાવણ મહિનો અને દશામાંના વ્રતમાં ફળોની ડિમાન્ડ સામે સપ્લાય ઓછો થતા ભાવ વધારો નોંધાયો છે. હજુ તો શ્રાવણ મહિનાની શરૂઆત જ છે અને તે પહેલાં ફળોના ભાવમાં વધારો નોંધાયો છે. અને હજુ પણ શ્રાવણ મહિના દરમિયાન કેટલાક ફળોના ભાવમાં વધારો નોંધાવાની શક્યતા છે. એટલું જ નહીં પરંતુ હજુ પણ આ ભાવ વધારો 15 થી 20 દિવસ કે એક મહિનો સુધી યથાવત રહે તેવું પણ અનુમાન છે.