Site icon Revoi.in

અમદાવાદ સહિતના શહેરોમાં દ્વિચક્રી વાહનચાલકોને હવે હેલ્મેટના કાયદાનું સખતથી પાલન કારાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં અને નવી સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ હવે સરકાર દ્વારા લોકહિતના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં હેલમેટ ફરજિયાત છે. પણ તેનો કડક અમલ કરાતો નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ટુ-વ્હિલરના અકસ્માતમાં 35 ટકા મૃત્યુ હેલમેટ નહીં પહેરવાથી થતા હોવાથી હેલમેટનો અમલ કરાવાશે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં કડક અમલ થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સહિતના તમામ શહેરોમાં દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોવા છતાં મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ પહેરતા નથી. આમ તો ગુજરાતભરમાં હેલ્મેટનો કાયદો અમલમાં છે. માત્ર હાઈવે પર દ્વિચક્રી વાહનચાલકોને  હેલ્મેટ પહેરવા પોલીસ ટપારતી હોય છે. જોકે શહેરી વિસ્તારોમાં આ કાયદાનો સખતથી અમલ કરાતો નથી. હવે ગાંધીનગરથી હેલ્મેટના કાયદાનું સખતથી પાલન કરાવવાનો આદેશ છૂટતાં ટ્રાફિક પોલીસ દ્વારા મહિનામાં અમલવારીનો એક્શન પ્લાન બનાવીને ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. હવે અમદાવાદ સહિત મહાનગરો અને નગરપાલિકા વિસ્તારમાં વિશેષ કડકાઈ દાખવવામાં આવશે. આગામી એક મહિના સુધીમાં ટુ-વ્હિલરચાલકોનું વિશેષ ચેકિંગ કરાશે. રાજ્ય સરકારે ટુ-વ્હિલર પર અકસ્માતથી થતા મોતના આંકડા ઓછા થાય તે માટે હેલમેટ ફરજિયાત પહેરવાના કાયદાનો અમલ કડક કરવાનું નક્કી કર્યુ છે. જે વાહનચાલકો પાસે હેલમેટ નથી તેવા વાહન ચાલકો હેલમેટ ખરીદી શકે અને તાત્કાલિક તેમને દંડનો સામનો કરવો પડે નહીં એટલે રાજય સરકારે એક મહિના પહેલા જ જાહેરાત કરી દીધી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરમાં હેલમેટ પહેર્યા વગર દર મહિને સરેરાશ 5 હજાર લોકો દંડ ભરે છે. ટ્રાફિક પોલીસ દર મહિને 25 લાખ રૂપિયા તો માત્ર હેલમેટ પહેર્યા વગરના લોકો પાસેથી દંડ વસૂલ કરે છે. (file photo)