Site icon Revoi.in

ધોરણ-12 સાયન્સમાં બધા વિષયની પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકશે, ઊંચુ પરિણામ માન્ય ગણાશે

Social Share

ગાંધીનગર:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલું ધોરણ 12 સાયન્સનું પરિણામ ગત વર્ષ કરતા ઊંચુ આવ્યું છે. આ પરીક્ષામાં નાપાસ થયેલા તેમજ ઓછા માર્ક્સ આવેલા વિદ્યાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. જેમાં પૂરક પરીક્ષા બંનેમાંથી ઉંચા પરિણામની પસંદગીની વિદ્યાર્થીઓને તક મળશે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય એટલા વિષયની અથવા તમામ વિષયની લેખિત પરીક્ષા આપી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ 2024ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પણ જેટલા વિષયની પૂરક પરીક્ષા આપવી હોય તે આપી શકશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓ રીપીટર વિષયોની જ પૂરક પરીક્ષા આપી શકશે. ધોરણ 12 સાયન્સમાં પ્રેક્ટીકલમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જ પ્રેક્ટીકલની પૂરક પરીક્ષા આપી શકશે. પ્રથમ વાર શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરિણામ સુધારવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે

શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષામાં પણ એક વિષયનો વધારો કર્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ આ વર્ષે 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બે વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. આગામી જૂન માસના અંતમાં પૂરક પરીક્ષા યોજવા શિક્ષણ બોર્ડ આયોજન કરાયું છે.

બોર્ડના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધોરણ 12નું પરિણામ ઓનલાઈન જાહેર કરી દેવામાં આવ્યું છે. અને તેની માર્કશીટ તા. 17મીને શુક્રવારે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને મળી જશે.