અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારમાં કમોસની વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. જ્યારે મોટોભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ઉત્તર-પશ્ચિમી ગરમ પવનોની અસરથી બે દિવસમાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની વકી છે. 12 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર કરી ગયો હતો.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી અમદાવાદમાં છેલ્લાં બે દિવસો દરમિયાન વાદળિયા વાતાવરણથી ગરમીથી રાહત રહી હતી. પરંતુ, ગરમ પવનોની અસરથી સોમવારે વહેલી સવારથી શહેરમાં ગરમીનું જોર વધ્યું હતું. જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.5 ડિગ્રી વધીને 41.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં હિટવેવનું મોજું ફરી વળવાની શક્યતા છે. ત્યારબાદ ત્રણ દિવસો દરમિયાન સૌરાષ્ટ્રનનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિલોમીટરની ગતિના પવનો ફૂંકાવાની સાથે વરસાદ પડવાની શક્યતા છે.