ગાંધીનગરઃ કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યભરની એપીએમસી માર્કેટ્સ બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા માર્કેટ યાર્ડ ફરી ધમધમવા લાગ્યા છે. જેમાં દહેગામના એપીએમસી માર્કેટમાં પણ રાબેતા મુજબ કામકાજ થવા લાગ્યું છે અને ખરીદી શરૂ થતાં ખેડૂતોને રાહત થઇ છે. પણ દહેગામ એપીએમસી માર્કેટમાં બાજરીની ખરીદી મુદ્દે હોબાળો થયો હતો. જેમાં ભાવ ઓછો મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી હતી.
દહેગામ એપીએમસી માર્કેટમાં બાજરીની ખરીદી મુદ્દે હોબાળો થયો છે. જેમાં ભાવ ઓછો મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી હતી. તેમજ 220 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. તેથી ખેડૂતોએ માર્કેટયાર્ડના દરવાજે ટ્રેક્ટરની આડશ મૂકી રસ્તા-રોક્યા હતા. દહેગામ તાલુકાના ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ થઇ છે.
એક તરફ તાઉ-તે વાવાઝોડાની અસરને પગલે દહેગામ તાલુકાના ખેડૂતોને બાજરી અને જુવારના ઊભા પાકમાં નુકસાની થઈ છે. તેમજ કમોસમી વરસાદને પગલે બાજરી પલળી જવાને લીધે હવે ભાવમાં પણ શકરવાર આવ્યો નથી.
દહેગામના ખેડૂતો આજે એ.પી.એમ.સીમાં બાજરી વેચવા આવ્યા હતા. તેમાં ખેડૂતોને ભાવમાં તોતિંગ કડાકો જોતા તેમને પડ્યા પર પાટુ વાગવા જેવો ઘાટ ઘડાયો હતો. જેમાં ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે ભાવ ખુબ ઓછો મળી રહ્યો છે. ત્યારે સામા પક્ષે આ મુદ્દે વેપારીઓ મૌન રહ્યાં છે.