Site icon Revoi.in

ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી, સાપુતારામાં નયનરમ્ય નજારાને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Social Share

સાપુતારાઃ ગુજરાતનું હિલ સ્ટેશન ગણાતા સાપુતારા પ્રવાસીઓ માટે માનીતુ સ્થળ બની રહ્યું છે. હાલ વરસાદી સીઝનમાં સાપુતારાના નયનરમ્ય નજારાને મહાણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.  સાપુતારામાં 28મી જુલાઈથી મોન્સુન ફેસ્ટીલવનું આયોજન કરવામાં આવ્યું છે. ડાંગનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ગીરા ધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો આ નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા હતા.

 મેઘરાજાના આગમન બાદ ડાંગની ગિરીકંદરાએ લીલી ચાદર ઓઢી હોય એવો લીલોછમ નજારો જોવા મળી રહ્યો છે. જંગલ નવપલ્લવિત થયા છે. પર્યટકો પરિવાર સાથે પર્યટન સ્થળની મુલાકાત માટેના આયોજન કરી રહ્યા છે, ત્યારે આવા પર્યટકો માટે ડાંગ જિલ્લાનું સાપુતારા ફેવરીટ ટુરીસ્ટ ડેસ્ટિનેશન બની ગયુ છે. સાપુતારા દરિયાની સપાટીથી આશરે 1 હજાર મીટર ઉપર વસ્યું છે. સુરત શહેરથી આશરે 95 માઈલના અંતરે છે. સાપુતારા હિલ સ્ટેશન એ પશ્ચિમ ઘાટનું સ્વર્ગ છે, જ્યાં પ્રકૃતિ પૂરબહારમાં ખીલી છે. આગામી 28 જુલાઈથી સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનો પ્રારંભ થશે, ગુજરાત ટુરીઝમ દ્વારા સાપુતારાને ગેસ્ટહાઉસ, બગીચા, સ્વિમિંગ પુલ, બોટ ક્લબ, ઓડિટોરિયમ, રોપ વે અને મ્યુઝિયમ જેવી સુવિધા આપતું આયોજિત હિલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં ચોમાસામાં દર વર્ષે સરેરાશ 255 સેમી (જુલાઈથી સપ્ટેમ્બર સુધી) વરસાદ પડે છે. આથી દર વર્ષે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.

વરસાદના કારણે ડાંગનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અને ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ડાંગ સહિતના જિલ્લાઓની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડાંગની ઓળખ સમાન ગીરા ધોધ પણ ભારે વરસાદના કારણે જીવંત બનતા આસપાસની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી. ગીરા ધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો આ નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા હતા.