દાંતાના મોરડૂંગરા ગામે શાળામાં હીચકે ઝૂલતી 3 બાળકીને લાગ્યો કરંટ, બેના મોત, એક ગંભીર
પાલનપુરઃ જિલ્લાના દાંતા તાલુકાના મોરડુંગરા ગામની પ્રાથમિક શાળામાં હીંચકે ઝૂલતી ત્રણ બાળકીઓને વીજળીને કરંટ લાગતા સગી બહેનો એવી બે બાળકીના મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય એક બાળકીની હાલત ગંભીર છે. આ મામલે પ્રાથમિક તપાસ મુજબ, ભોગ બનનારી બાળકીઓ શાળામાં અભ્યાસ કરતી નથી. પણ શાળાની બાજુમાં રહેતા પરિવારને ત્યાં સામાજિક પ્રસંગ હોવાથી બહારગામથી પરિવાર આવ્યો હતો. અને પરિવારની ત્રણ બાળાઓ શાળાના કેમ્પસમાં હિંચકે ઝુલવા માટે ગઈ હતી. ત્યારે આ બનાવ બન્યો હતો. બે બાળકીઓનાં મોતથી પરિવારના સભ્યોમાં શોકની લાગણી પ્રસરી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, બનાસકાંઠાના દાંતા તાલુકાના મોરડુંગરા ગામે સાંધોશીથી એક પરિવાર સામાજિક પ્રસંગે આવ્યો હતો. એ દરમિયાન આ પરિવારની ત્રણ માસૂમ દીકરીઓ 4 વર્ષીય કરણી ડાભી, 6 વર્ષીય દીવા ડાભી અને 8 વર્ષીય નમ્રતા ડાભી ગામની પ્રાથમિક શાળાના મેદાનમાં હીંચકો ઝૂલવા માટે ગઈ હતી. જ્યાં લોખંડના હીંચકામાં અચાનક કરંટ આવતાં ત્રણેય બાળકીને જોરદાર કરંટ લાગ્યો હતો. નમ્રતા ડાભી, જે જીવન-મરણ વચ્ચે જ ઝોલાં ખાઈ રહી છે, જેની ઉંમર 8 વર્ષ છે. તો બીજા નંબરની દીવા ડાભી છે, જેની ઉંમર 6 વર્ષ છે અને ત્રીજા નંબરની કરણી ડાભી, જેની ઉંમર 4 વર્ષ છે, જે બંનેનું વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ પરિવારને થતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. મૃતક બે બાળકીના મૃતદેહને પીએમ માટે માંકડી સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતાં, જ્યારે અન્ય એકની હાલ સારવાર ચાલી રહી છે. ઘટના અંગે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ મુજબ, લોખંડના હીંચકા નજીક પાણીના બૉર્ડનું સ્ટાર્ટર હોવાથી એમાં કરંટ આવતાં ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે. બાળકીઓનાં મોતથી પરિવારના સભ્યોમાં શોકની લાગણી પ્રસરી છે અને મોટી સંખ્યામાં પરિવારજનો અને સગાંસબંધી આવી પહોંચ્યાં હતાં. મેવાભાઈ પૂનાભાઈ ડાભીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં શાળાની ઘોર બેદરકારી જોવા મળી છે. જે શાળાના અંદર હીંચકો હોય અને બાળકો રમતાં હોય ત્યાં કોઈપણ જાતની વીજકરંટ જેવી વસ્તુઓ ન લગાવવી જોઈએ, જેથી ત્યાં રમતાં બાળકોને કોઈપણ જાતની ક્ષતિ ના પહોંચે. શાળામાં કોઈપણ કર્મચારીઓએ આવી બેદરકારી ન રાખવી જોઈએ. હાલ સુધી કોઈપણ શાળાના કર્મચારીઓ હાલચાલ પૂછવા પણ આવ્યા નથી અને અમે આ ઘટનાને લઈને આગળ પોલીસ ફરિયાદ પણ કરવાના છીએ. શાળાની બેદરકારીને લઈને બે બાળકી મોતને ભેટી છે.