- વકીલ અને તેમનો પરિવાર રાતના બહાર નીકળ્યો હતો
- પેટ્રોલીંગ કરતી પોલીસ ટીમે તેમને અટકાવ્યાં હતા
- વકીલની સાથે કારમાં પરિવારજનો સવાર હતા
દિલ્હીઃ કોરોનાની બે લહેર બાદ તથા કેન્દ્ર-રાજ્ય તથા વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક અપીલ છતા કેટલાક લોકો કોવિડ પ્રોટોકેલનું પાલન કરવાનું ટાળે છે. એટલું જ નહીં તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવે તો તેઓ પોલીસ તથા અન્ય સંસ્થાઓ સાથે અયોગ્ય વર્તન કરતા હોવાની ઘટના સામે આવી છે. દરમિયાન દિલ્હી પોલીસે 33 વર્ષીય યુવાનને પત્ની તથા સંબંધીઓ સાથે મળીને બે પોલીસ કર્મચારીઓ સાથે ખરાબવર્તન કર્યું હતું. તેમણે માસ્ક નહીં પહેર્યું હોવાથી પોલીસે તેમને રોકતા તકરાર કરી હતી તેમજ પોતાની પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર પટપડગંજ એક્સેટન્શનમાં રહતા આદેશ વ્યવસાયે વકીલ છે. રાતના કરફ્યુ દરમિયાન પત્ની તથા પિતરાઈ ભાઈ સાથે કારમાં પ્રવાસ કરતા હતા. દરમિયાન સીમાપુર ગોલચક્કર નજીક પેટ્રોલીંગ કરતી પોલીસે તેમને અટકાવીને રાતના માસ્ક વિના બહાર નીકળવાનું કારણ પૂછ્યું હતું. આ સમયે તેમણે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કથિત રીતે દારૂના નશામાં આરોપીએ પોતાના પરવાનાવાળી પિસ્તોલમાંથી જમીન ઉપર પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. એટલું જ નહીં બાજુમાં બેઠેલી મહિલાએ પોલીસ કર્મચારી સાથે અયોગ્ય વર્તન કરીને મારામારી કરી હતી. સ્થળ પર દારૂની બોટલ પણ મળી છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
(PHOTO-FILE)