દિલ્હીમાં હવે કાર ધોવી પડશે ભારે, પાણીના વેડફાટ બદલ થશે દંડ
નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમી વચ્ચે કેટલાક શહેરો-નગરોમાં પાણીની સમસ્યા પણ ઉભી થઈ છે. દરમિયાન દિલ્હી સરકારે પાણીનો બગાડ કરનાર સામે આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં પાણીનો બગાડ કરતા ઝડપાનાર વ્યક્તિને આકરો દંડ કરવામાં આવશે.
દિલ્હી સરકારના જળ મંત્રી આતિશીએ પાણીના બગાડને રોકવા માટે જળ બોર્ડના સીઈઓને નિર્દેશ જાહેર કર્યો છે. મંત્રી આતિશીએ નિર્દેશમાં 200 ટીમોની રચના કરવા કહ્યું છે. પાઈપ મારફતે વાહન ધોતા, પાણીનું ટેન્કર ઓવરફ્લો અને ઘરેલુ પાણીના કનેક્શનનો કોમર્શિયલ ઉપયોગ તેમજ કંસ્ટ્રક્શન સાઈટ પર ઉપયોગ કરવો પાણીનો બગાડ માનવામાં આવશે. પાણીનો બગાડ કરનારને રૂ. 2000નો દંડ ફટકારવામાં આવશે.
દિલ્હીમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, તેમજ હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીને પગલે પ્રજા પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે. દરમિયાન ઉપરાજ્યપાલે બપોરના સમયે શ્રમજીવીઓને રજા આપવા માટે આદેશ કર્યો છે. એટલું જ નહીં શ્રમજીવીઓ માટે પાણી સહિતની વ્યવસ્થા ઉભી કરવા માટે નિર્દેશ કર્યો છે.