દિલ્હીમાં ડાર્ક વેબ ઉપર ભારતીયોની વિગતો વેચવા મામલે પોલીસે ચાર શખ્સોની કરી ધરપરડ
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના IFSO યુનિટે ભારતીયોની અંગત માહિતી ડાર્ક વેબ પર વેચવા બદલ ચાર લોકોની ધરપકડ કરી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની ડેટા બેંકમાંથી ડેટા લીક કરવામાં આવ્યો હતો અને પછી તેને ડાર્ક વેબ પર વેચાણ માટે મૂકવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓની 10 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી પરંતુ હવે આ વાતનો ખુલાસો થયો છે. તમામ આરોપીઓની 3 અલગ-અલગ રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં હરિયાણા, ઓડિશામાંથી એક-એક અને ઝાંસીમાંથી 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લોકો એક ગેમિંગ પ્લેટફોર્મ પર મળ્યા હતા અને ઝડપી પૈસા કમાવવા માટે ડેટાને હેક કરીને તેને ડાર્ક વેબ પર વેચાણ માટે મૂકવાનું નક્કી કર્યું હતું. ડાર્ક વેબ એક એવી જગ્યા છે જ્યાં ઈન્ટરનેટ યુઝર્સનો ડેટા અલગ-અલગ કિંમતે વેચાય છે. ડાર્ક વેબ એ ઇન્ટરનેટની દુનિયા છે જેને તમે તમારા બ્રાઉઝર દ્વારા એક્સેસ કરી શકતા નથી. વાસ્તવમાં, ઈન્ટરનેટની દુનિયાને એક્સેસ કરવા માટે આપણે બધા જે બ્રાઉઝરનો ઉપયોગ કરીએ છીએ તે માત્ર 4 ટકા છે. બાકીના 96% ડાર્ક વેબ અથવા ઇન્ટરનેટની ડાર્ક વર્લ્ડ છે.
સૌથી પહેલા તો ડાર્ક વેબ સુધી પહોંચવું આસાન નથી અને જો તમે અહીં પહોંચી જાઓ તો પણ હેકર્સથી બચવું તમારા માટે મુશ્કેલ છે. ઇન્ટરનેટની આ અંધારી દુનિયામાં લોકોનો ડેટા ખુલ્લેઆમ વેચાય છે અને ખરીદાય છે. ડાર્ક વેબમાં તમને બધી માહિતી મળે છે જે સામાન્ય સર્ચ એન્જિન પર અનુક્રમિત નથી. વેબસાઈટની માહિતી, લોકોનો અંગત ડેટા, બેંકો વિશેની માહિતી વગેરે જેવી ઘણી મહત્વની બાબતો આ વેબમાં ખરીદ-વેચવામાં આવે છે.