- દિલ્હીમાં ઠંડીનો કહેર યથાવત
- 14 જાન્યુઆરી સુધીમાં તાપમાનમાં થશે ઘટાડો
- લોકો કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા
દિલ્હીમાં ઠંડીનો કહેર યથાવત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટવાનું શરૂ થયું છે.
દિલ્હીમાં એક વાર ફરી શિતલહેરે દસ્તક આપી દીધી છે. 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે સવારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી રહી હતી.
સફદરજંગ સહિત દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મધ્યરાત્રિ બાદ લઘુત્તમ તાપમાન 5-6 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ દિલ્હીમાં કોલ્ડ વેવની સ્થિતિની આગાહી કરી છે
રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,જ્યારે શનિવારે તે 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પાલમ વેધશાળાએ રવિવારે દિલ્હીમાં ‘કોલ્ડ ડે’ જાહેર કર્યો હતો. રવિવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઘણું ઓછું હતું. સફદરજંગમાં તાપમાન 16.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં શુષ્ક ઉત્તર અથવા ઉતર-પશ્ચિમમાં પવનો ફેલાવાના કારણે લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણથી ચાર દિવસમાં ધીમે ધીમે 3-4 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાની સંભાવના છે, જેના કારણે 12 અને 13 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંડીગઢ દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં કોલ્ડ વેવની સંભાવના છે.
હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે, દિલ્હીમાં 14 જાન્યુઆરી સુધીમાં પારો પાંચથી છ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાવી શકે છે.