- ઘીમાં ભેળસેળ કરતા હોવાની બાતમી મળી હતી,
- ગાયના શુદ્ધ ઘીના નામે વેચાણ કરાતું હતું.
- ફુડ વિભાગે ઘીના નમુના પૃથકરણ માટે મોકલ્યા
પાલનપુરઃ ગુજરાતમાં ખાદ્ય-ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે રાજ્ય સરકારે ફુડ વિભાગને સુચના આપીને ભેળસેળિયા વેપારીઓ સામે કડક પગલાં ભરવાના નિર્દેશ અપાતા રાજ્યના દરેક જિલ્લામાં ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન વિભાગના અધિકારીઓએ ડીસા ખાતે એક પેઢીમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું સંગ્રહ અને વેચાણ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોવાની બાતમીના આધારે રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પેઢીમાં મળી રૂ.9.47.360ની કિંમતનો આશરે 1570 કિગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠાના ડીસા ખાતે એક પેઢીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘી નો જથ્થો મળ્યો હતો. કંપનીના માલિકની હાજરીમાં પૃથ્થકરણ માટે પ્રિમિયમ કાઉ ઘી 1 લિટર કંપની પેક ટીન તથા કાઉ ઘી 15 કિગ્રા પેક ટીન નાં 02 નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો રૂ. 947360ની કિંમતનો આશરે 1570 કિગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સદર ખાદ્યચીજ વીર મિલ્ક પ્રોડકટ 108, હેની ઇન્ડસ્ટ્રીજ, માસમા (ઓલપાડ ), સુરત પેઢી દ્વારા ઉત્પાદિત કરી સપ્લાય કરવામાં આવ્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યુ છે. સદર ઉત્પાદક પેઢીના અગાઉ પણ કુલ 04 ઘી ના નમુનાઓ નાપાસ થયેલા અને જે પૈકી તેઓને ત્રણ કેસોમાં કોર્ટ દ્વારા દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટીએ ભેળસેળવાળા અને બિન-આરોગ્યપ્રદ હોવાથી લીધેલા નમૂનાનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.