Site icon Revoi.in

કચ્છમાં ઉનાળાના પ્રારંભે 3 ડેમો તળિયા ઝાટક, 20 ડેમોમાં માત્ર 37 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

Social Share

ભૂજઃ ઉનાળાનો પ્રારંભ થતાં જિલ્લાના મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થયા છે. કચ્છમાં 20 જેટલા મધ્યમ સિંચાઇના ડેમો આવેલા છે જેમાંથી ત્રણ ડેમમાં પાણીનો જથ્થો નહિવત છે. બાકીના જળાશયોમાં  માત્ર 37.05 ટકા જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ હવે તળિયાઝાટક થવાની તૈયારીમાં છે. જિલ્લાના 7 જેટલા ડેમો એવા પણ છે કે, જેમાં 25 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે. ત્યારે નર્મદાના નીર પર આધાર રાખવો પડશે. ખેડુતોને સિંચાઈ માટે પાણી મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.

 કચ્છમાં ઉનાળાના આગમન સાથે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આ વખતે ઉનાળો વધુ આંકરો બને એવા એંધાણ છે, ત્યારે જિલ્લાના મધ્યમ કક્ષાના 20 ડેમમાં હવે માત્ર 37.05 ટકા જેટલું જ પાણી છે. 20 ડેમોમાં 123.12 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ હવે બાકી રહ્યો છે. જિલ્લામાં મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમ આવેલા છે. છેલ્લા અઠવાડિયાથી ગરમીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે ભુજ તાલુકાના સૌથી મોટા ડેમમાં માત્ર 5 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી સમયમાં ઉનાળાના પગલે પાણીની માંગમાં વધારો થશે પરંતુ ડેમની જળસંગ્રહ શક્તિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. નર્મદાનું વધારાનું પાણી રુદ્રમાતા ડેમ સુધી લાવવામાં આવે તો  ખેડૂતો અને પશુધનને બચાવી શકાય તેમ છે.

કચ્છ સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમો પૈકી ટપ્પર ડેમ છે તે ગેટેડ સ્કીમ છે જે પાણી પુરવઠા હસ્તકનો છે. જ્યારે બાકીના 19 ડેમો અનગેટેડ સ્કીમ છે. હાલ મધ્યમ સિંચાઇ યોજના અંતર્ગતના ડેમમાં પાણીની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલ કચ્છના મધ્યમ સિંચાઇના ડેમોમાં 37.05 ટકા જેટલું જ પાણી ઉપલબ્ધ છે.  3 જેટલા ડેમોમાં તો 10 ટકાથી પણ ઓછું પાણી છે. નર્મદાનાં વધારાના પાણી કેનાલ મારફતે સુવઈ, ટપ્પર, ફતેહગઢ જેવા ડેમોને ભરવામાં આવે છે. બાકીના ડેમોમાં પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ નથી. જિલ્લાનો સૌથી મોટો અને ભુજ તાલુકાનો રુદ્રમાતા ડેમ 2023ના ચોમાસામાં ભારે વરસાદ થયો હોવા છતાં ઓવરફ્લો નહતો થયો. રુદ્રમાતા ડેમમાં હવે માત્ર 4.94 ટકા પાણી બચ્યું છે. રુદ્રમાતા ડેમ હવે તળિયાઝાટક થવાની તૈયારીમાં છે. જિલ્લામાં 7 જેટલા ડેમો એવા પણ છે કે, જેમાં 25 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે. તો બીજી બાજુ જિલ્લાના ગોધાતળ, કાળાઘોઘા, ટપ્પર એમ 3 ડેમ એવા પણ છે કે, જેમાં 70 ટકાથી વધુ પાણી સંગ્રહિત છે. (File photo)